યુવાનની શેરબજારને લગતી ઓફિસને વ્યાજખોરોએ પોતાના તાળા મારી દીધા

રાજકોટમાં પોલીસ ઢીલી પડતાં વ્યાજખોરો ફરીથી બેફામ : ગાંધીગ્રામ પોલીસમાં 3 આરોપીઓ સામે ફરિયાદઃ વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી
રાજકોટ, : શહેરમાં પોલીસ ઢીલી પડતાં જ વ્યાજખોરો ફરીથી બેફામ બન્યા છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં વ્યાજખોરી અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાતા એક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બાબતે મોડી સાંજ સુધી પોલીસે ફરિયાદ નોંધી ન હતી. કાલાવડ રોડ પરની ન્યુ કોલેજવાડીમાં રહેતાં અને સોજીત્રાનગર મેઈન રોડ પર માધવ વાટીકા એપાર્ટમેન્ટમાં શેર બજારને લગતી ઓફિસ ધરાવતાં હાર્દિક જીતેન્દ્રભાઈ કિકાણી (ઉ.વ. 35)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ઓફિસમાં કામ કરતાં મેનેજર ધવલ નરેશભાઈ શાહ મારફત રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા સાથે પરિચય બાદ મિત્રતા થઈ હતી. તેની પાસેથી રૂ. 80,000 5 ટકા વ્યાજે લીધા હતા. સિકયુરીટી પેટે 700 થી 900 ગ્રામ ચાંદીની વસ્તુ અને બેન્કના ચેક આપ્યા હતા.
દર મહિનાની પાંચમી તારીખે વ્યાજના રૂ. 4,000 ભરતો હતો. 6 મહિનામાં એક સાથે મૂડીના 80,000 આપવાનું નકકી થયું હતું. જો તે રકમ ચૂકવી ન શકે તો સિકયુરીટી પેટે આપેલી વસ્તુ જતી કરવાની હતી. ગત મે માસમાં રવિરાજસિંહ અને તેનો મિત્ર મોનીલ હિતેષ પંડયા તેની ઓફિસમાં વર્કિંગ પાર્ટનર તરીકે જોડાયા હતા. જે બાબતે કોઈ લખાણ કર્યું ન હતું.
ગઈ તા. 18ના રોજ બંને તેની ઓફિસે આવ્યા હતા અને તેના મેનેજર ધવલને કહ્યું કે તારે હવે અમને રીપોર્ટીંગ આપવાનું છે. હાર્દિકને નહીં. આ બાબતે ઝઘડો કર્યો હતો. બપોરે ફરીથી બંને મિત્ર અમિત પટેલ સાથે તેની ઓફિસે આવ્યા હતા અને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં રવિરાજસિંહે છરી કાઢી તેને કહ્યું કે રૂ. 80,000 અત્યારે આપી દયો, નહીંતર ઓફિસની ચાવી આપો.
આ પછી ચા પીવાના બહાને થારમાં બહાર લઈ જઈ તેની ઓફિસમાં પોતાના તાળા મારી દીધા હતા. તે વખતે રવિરાજસિંહે તેનો કોલર પકડી કહ્યું કે ધવલભાઈને હવે નોકરીએ આવવાનું નથી. જો તેને નોકરીએ રાખશો તો હું તમને જોઈ લઈશ. બાદમાં જતાં રહ્યા હતા. ફરિયાદ પક્ષે આક્ષેપ કર્યો કે આરોપીઓએ ખુનની ધમકી આપી હતી. બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હતા. ચાવી મોઢા પર મારી હતી. આમ છતાં આ તમામ બાબતોનો પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો નથી.
બીજા બનાવમાં કુવાડવા રોડ પરના ગુરૂદેવ પાર્ક-9માં રહેતા અને કાર ભાડે આપવાનું કામ કરતાં મૌલિક બાબુભાઈ પટોળીયા (ઉ.વ. 26)એ શાસ્ત્રીમેદાનમાં ઝેરી દવા પી લેતાં સિવીલમાં ખસેડાયો હતો. વ્યાજખોરીમાં ફસાઈ જતાં આ પગલું ભર્યાનું જણાવ્યું છે. એટલું જ નહીં સ્યૂસાઈડ નોટ પણ લખી છે. જેમાં સાતેક શખ્સોના નામ લખાયેલા છે. આ શખ્સોમાં વિપુલ, અક્ષય, ગોપાલ, વિપુલ, પરાક્રમસિંહ, વિષ્ણુ અને દેવાભાઈનો સમાવેશ થાય છે.









