Gujarat

વ્યાજખોરે ઘરે જઇ, મારકૂટ કરી, રૂા. 4 લાખ બળજબરીથી પડાવ્યાં

By GS TEAM
30 Jul 20252 mins read
વ્યાજખોરે ઘરે જઇ, મારકૂટ કરી, રૂા. 4 લાખ બળજબરીથી પડાવ્યાં

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ : મોરબી રોડ પર ઇમિટેશનનું કારખાનું ધરાવતા આરોપી સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ, : કોઠારીયા રોડ પરની વિવેકાનંદ સોસાયટી શેરી નં. 1માં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં કિરણભાઇ ચૌહાણ (ઉ.વ. 46) સાથે વ્યાજના પૈસા બાબતે આરોપી વિનુ કાંબલિયાએ બોલાચાલી કરી, મારકૂટ કરી, રૂા. 4 લાખ બળજબરીથી પડાવી લીધાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં કિરણભાઈએ જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલાં મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે તેની બેઠક હતી. જ્યાં આરોપી સાથે ચાની હોટલે મુલાકાત થતાં મિત્રતા થઇ હતી. આરોપીને મોરબી રોડ જકાતનાકા પાસે ઇમીટેશનનું કારખાનું હતું. જ્યાં પણ અવારનવાર મળતાં હતાં.

ત્રણેક  વર્ષ પહેલા આરોપી પાસેથી રૂા. 1 લાખ વ્યાજે લીધા હતાં. તે વખતે આરોપીએ રૂા. 10 હજાર વ્યાજ કાપી રૂા. 90,000 આપ્યા હતાં. આ જ સુધી આરોપીને નિયમિત રૂા. 10,000 દર મહિને વ્યાજ પેટે ચૂકવતા હતાં. આરોપીએ તેની પાસેથી બે ચેક લીધા હતાં. એટલું જ નહીં ઉઘરાણી માટે અવારનવાર તેના ઘરે આવતો હતો.  

ગઇ તા. 29મીએ આરોપી તેના ઘરે આવ્યો હતો અને તેની પાસે રૂા. 2.65 લાખની ઉઘરાણી કરી હતી. જેની સામે તેણે દર મહિને રૂા. 10,000 વ્યાજ ચૂકવી રહ્યાનું જણાવતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ તેની પાસે રહેલાં રૂા. ચારેક લાખ બળજબરીથી કઢાવી લીધા હતાં. એટલું જ નહીં તેને ગડદાપાટુનો માર માર્યો હતો. ધક્કો મારતાં, પડી જતાં, કપાળમાં ઇજા થઇ હતી.108માં જઇ સિવિલમાં સારવાર લીધી હતી.  જ્યાંથી રજા મળતાં ફરિયાદ નોંધાવી હતી. ભક્તિનગર પોલીસે મની લેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.