વડોદરાઃ ઇલોરાપાર્કની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની હોમલોન વિભાગની શાખા દ્વારા છ બોગસ લોનધારકોને ૧.૯૭ કરોડની લોન આપવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને સુરતથી ઝડપી પાડયો છે.
સ્ટેટ બેન્કમાં હોમલોન મેળવવા માટે છ લોનધારકોના નામે ફાઇલો તૈયાર કરવામાં આવી હતી.જેમાં તેમના નોકરીના બોગસ લેટર,આઇકાર્ડ,પે સ્લિપ,ઇન્કમટેક્સના રિટર્ન સહિતના દસ્તાવેજો મૂકવામાં આવ્યા હતા. બેન્કની અધિકૃત એજન્સીના માણસોએ આ વિગતોની ખરાઇ પણ કરી હતી.
બેન્ક દ્વારા તમામ છ લોનધારકોને કુલ રૃ.૧.૯૭કરોડની લોન આપવામાં આવી હતી.હપ્તા નહિ ભરાતાં અને બેન્કના ઓડિટ દરમિયાન વિગતો બહાર આવતાં લોનધારકો, બેન્કના અધિકૃત એજન્ટો અને દસ્તાવેજોની ફાઇલ તૈયાર કરનારા વચેટિયાઓ મળી કુલ ૧૬ જણા સામે ગુનો નોંધાયો હતો.
આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધર્મેન્દ્ર વૃન્દાવનભાઇ વાઘેલા(અવધ આશ્રય ફ્લેટ,વાસણારોડ અને દિવ્યાશ્રય ફ્લેટ, વાસણારોડ હાલ રહે.જીવનધારા સોસાયટી, કઢોદરા,સુરત)ને સુરતમાંથી ઝડપી પાડયો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે,ધર્મેન્દ્ર બેન્કનો અધિકૃત એજન્ટ હતો અને બીજા એજન્ટની સાથે તેણે પણ ફાઇલ મૂકવાની ભૂમિકા ભજવી હતી.આ સાથે ઉપરોક્ત કૌભાંડમાં એક સપ્તાહમાં ત્રીજો આરોપી પકડાયો છે.


