Gujarat

પેસેન્જર બેસાડવા બાબતે સામ સામે છરી, પથ્થરથી હુમલામાં ત્રણ ઘાયલ

By GS TEAM
27 Mar 20262 mins read
પેસેન્જર બેસાડવા બાબતે  સામ સામે છરી, પથ્થરથી હુમલામાં ત્રણ ઘાયલ

અમદાવાદ, શુક્રવાર

ઇસનપુર વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે રિક્ષા ચાલકો વચ્ચે મારા મારી થઇ હતી. જેમાં બન્ને પક્ષે છરી, પથ્થર, ઇંટથી હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા જેઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવમાં એક પક્ષે છરીથી હુમલામાં રિક્ષા ચાલકનો  કાન કપાઇ ગયો હતો, જ્યારે સામે પક્ષે બે યુવકોને પેટ, છાતી હાથની આંગળીમાં ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે બન્ને પક્ષે સામ સામે સાત લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચંડોળા પાસે બે યુવકો પર છરીથી હુમલો કરતા પેટ,છાતી આંગળીમાં ગંભીર ઇજા થતાં  બન્ને પક્ષે ઘાયલ ત્રણેય સારવાર હેઠળ ઃ ઇસનપુર પોલીસે સામ સામે સાત લોકો સામે ગુનો નોંધ્યો

વટવામાં રહેતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઇસનપુર મિલ્લતનગર ખાતે રહેતા ત્રણ લોકો સામે  ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાજે છ વાગે ઘરે હાજર હતા ત્યારે કૌટુંબિક મામા રિક્ષા લઇ આવ્યા હતા અને કહ્યું કે હું ગીતામંદિરથી વટવાના પેસેન્જર બેસાડવા રિક્ષા ઉભી રાખી હતી તેવામાં પાછળથી આવેલા રિક્ષા ચાલકે તે પેસેન્જર બેસાડી દીધા હતા. જેથી મામાએ કહ્યું કેમ પેસેન્જર બેસાડી દીધા કહેતા તેણે મારા મારી કરી લાફા મારી દીધા હતા. બાદ આગે આવા તેરેકુ દીખાતા હું કહીને રિક્ષા ચલાવીને જતો રહ્યો હતો. ત્યારબાદ ઇસનપુર ગરીબ નવાઝ મસ્જીદ પાસે રિક્ષા ચાલકે આવીને ફરિયાદીના બે મામા ઉપર છરીથી હુમલો કરીને પેટ અને આંગળીએ ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

બીજા બનાવમાં ઇસનપુરમાં મિલ્લતનગર ખાતે રહેતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેઓ રિક્ષા લઇને ગીતા મંદિર એસટીથી પેસેન્જર બેસાડતાં એક રિક્ષા ચાલકે આવીને મારા પેસેન્જર કેમ બેસાડયા કહીને તકરાર કરી હતી અને વટવા તરફ જતા હતા ત્યારે રીક્ષાનો પીછો કરીને ચંડોળા તળાવ પાસે રિક્ષા રોકાવી અને યુવક પાછળ તેઓ દોડતા યુવકને પથ્થરો તથા ઇંટથી મારતોં તે નીચે પડી ગયો હતો આ સમયે પકડીને આરોપીએ છરીથી હુમલો કરતાં યુવકનો અડધો કાન કપાઇ ગયો હતો.