- જીપીસીબી કચેરી નજીક છતાં કાર્યવાહી નહીં
- રાત્રિના અંધારામાં કચરો સળગાવતા ગૌચર 'ગેસ ચેમ્બર' બન્યું : કેમિકલ માફિયાઓસામે કડક કાર્યવાહીની માંગ
બગોદરા : બાવળા-સરખેજ હાઈવે પર આવેલી ઔદ્યોગિક વસાહતો હવે ગ્રામીણ વિસ્તારો માટે શ્રાપ સાબિત થઈ રહી છે. મટોડા ગામના ગૌચરની જમીન પર કેમિકલ માફિયાઓ દ્વારા રાત્રિના અંધકારમાં ઝેરી કચરો ઠાલવી તેને સળગાવી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાયું છે.
ઝેરી ધુમાડાને કારણે ગૌચર 'ગેસ ચેમ્બર'માં ફેરવાઈ ગયું છે, જેનાથી હાઈવે પરના વાહનચાલકો અને સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. આ સ્થળની નજીકમાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની પ્રાદેશિક કચેરી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. સામાજિક કાર્યકરોએ પુરાવાઓ સાથે રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગૌચરમાં કચરો ખાતી ગાયોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. પ્રદૂષણ ફેલાવતા એકમો અને અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપો સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે કડક પગલાં નહીં લેવાય, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


