ટ્રકમાં પૂંઠાના બોક્સની આડમાં જતો રૂા. 75.47 લાખનો દારૂ ઝડપાયો
- આણંદના વાસદ ગામના ટોલનાકા પાસેથી
- બે શખ્સોની ધરપકડ કરી 4 વિરૂદ્ધ ગુનો પારડીથી ટ્રકમાં વેરાવળ- સોમનાથ દારૂ જતો હતો
વડોદરા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ ટોલનાકા થઈ ટ્રક પસાર થવાની બાતમી વાસદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ વાસદ ટોલનાકા નજીક આવેલા હનુમાનજી મંદિર પાસે ઉભા હતા. દરમિયાન આવેલી ટ્રકને ઉભી રાખી ટ્રકમાં સવાર ચાલક તથા ક્લિનરના મુનેશકુમાર સતીશકુમાર જાખડ અને જીતેન્દર રઘબીર દાનક બંને રહે. હરિયાણાવાળાની અટકાયત કરી હતી.
પોલીસે ટ્રકની તલાસી લેતા પ્રથમ નજરે ખાખી કલરના બોક્સ ભર્યા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે પૂઠાના બોક્સ હટાવીને જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. ટ્રક પોલીસ મથકે લાવી ગણતરી કરતા રૂા. ૭૫.૪૭ લાખની ૫૦૧ નંગ વિદેશી દારૂની પેટીઓ તથા બિયરના ટીન થયા હતા. પોલીસે ચાલક મુનેશકુમાર જાખડની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો પારડીના ઉમેશ બાબુભાઈ પટેલે પારડી વલસાડ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક લાવી આપી ત્રણેક મોબાઈલ નંબરના સંપર્કમાં રહી વેરાવળ સોમનાથ ખાતે કિશોર દેવીપુજક તથા જીગ્નેશ ચોમલને માલ પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૮૫,૫૩,૦૪૦નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.