- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી દારૂની હેરાફેરી ઝડપાઈ
- બટાટાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી : રાજસ્થાનના ચાલકની ધપકડ, ચાર સામે ગુનો
સુરેન્દ્રનગર, પાટડી : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પરથી બટાટાની ગુણની આડમાં લઇ જવાતો રૂ.૭૪.૫૯ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પડી રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત રૂ.૯૫.૨૭ લાખોના મુદામાલ કબજે કરી ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માલવણ-ધ્રાંગધ્રા હાઈવે દારૂની હેરાફેરી અને વેચાણ થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન દસાડા તાલુકાના અખિયાણા ગામ નજીક રામદેવ હોટલ સામે હાઈવે પર એક શંકાસ્પદ હાલતમાં ટ્રક જણાઈ આવતા તેને રોકી તલાશી લેતા ટ્રકમાંથી બટાટા ભરેલ કોથળાની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની ૮૧૦૦ બોટલ (કિં.રૂ.૬૬.૯૨ લાખ), બિયર ટીનના ૪૪૬૪ ટીન (કિં. રૂ.૭.૬૭ લાખ), ટ્રક (કિં.રૂ.૨૦ લાખ), ૦૨-મોબાઈલ (કિં.રૂ.૧૫૦૦૦), ૧૭૫ બટાટા ભરેલા કોથળા (કિં.રૂ.૫૨,૫૦૦) સહિત રૂ.૯૫.૨૭ લાખના મુદામાલ સાથે ટ્રક ચાલક પુખરાજ માલારામ સવ (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. જયારે ટ્રક માલિક, દારૂ આપનાર અને મંગાવનાર વ્યક્તિની પણ સંડોવણી બહાર આવતા ફૂલ ૦૪ શખ્શો સામે બજાણા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


