Gujarat

રાજકોટમાં પતરાંની આડમાં છૂપાવેલો રૂા. 6.50 લાખનો દારૂનો જથ્થો કબ્જે

By GS TEAM
1 Jul 20252 mins read
રાજકોટમાં પતરાંની આડમાં છૂપાવેલો રૂા. 6.50 લાખનો દારૂનો જથ્થો કબ્જે

અષાઢના પ્રારંભ સાથે જ બૂટલેગરો મેદાનમાં

દારૂ, મીની ટ્રક મળી રૂા. ૧૫.૫૭ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ : ગોવાથી દારૂનો જથ્થો લાવ્યાની કેફિયત

રાજકોટ: અષાઢના પ્રારંભમાં જ દારૂના ધંધાર્થીઓ અને બૂટલેગરો મેદાનમાં આવી ગયા હોય તેમ ગઇકાલે ૫૬ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયા બાદ આજે પીસીબીએ મીની ટ્રકમાંથી પતરાની આડમાં લવાયેલો ૬.૫૦ લાખનો દારૂના જથ્થા સાથે એકને પકડી લઇ પૂછપરછ શરૂ કરી છે.

પકડાયેલામાં આશિષ રમણીકભાઈ હીંગરાજીયા (ઉ.વ.૪૨, રહે. ભવ્ય એપાર્ટમેન્ટ, ગોંડલ રોડ)નો સમાવેશ  થાય છે. 

પીસીબીએ બાતમીના આધારે સ્વાતિ પાર્ક મેઇન રોડ પર, ૮૦ ફૂટ નજીક કૈલાશ ઇન્ડસ્ટ્રીયઝ એરિયામાં દરોડો પાડી મીની ટ્રક પકડી લીધો હતો. તપાસ કરતાં તેમાં પતરાની આડમાં છૂપાવેલો રૂા. ૬.૫૨ લાખની કિંમતનો દારૂનો ૨૭૮૪ બોટલનો જથ્થો મળી આવતાં પોલીસે દારૂ, મીની ટ્રક મળી કુલ રૂા. ૧૫.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીની પૂછપરછમાં તે દારૂનો જથ્થો ગોવા તરફથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ જારી રાખી છે.

બીજા દરોડામાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગર શેરી નં. ૧૪-બમાં દરોડો પાડી એલસીબી ઝોન-૨ની ટીમે કૈલાસ ભૂપેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.૨૫)ને રૂા. ૩૬ હજારની દારૂની ૮૮ બોટલ સાથે પકડી લઇ કુલ રૂા. ૬૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં પ્રકાશ સુરેશભાઈ રાઠોડનુ નામ ખૂલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આરોપી અગાઉ દારૂનાં ૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અને પાસાની પણ હવા ખાઇ ચૂક્યો છે. 

ત્રીજા દરોડામાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કૃતિ ઓનેલા કોમ્પ્લેક્સ નજીકથી યશ નિરજભાઈ બદીયાણી (ઉ.વ.૨૩, રહે. સ્કોય હાઇટ, ગોવર્ધન ચોક)ને પીસીબીએ પકડી દારૂની ૧૨ બોટલ અને સ્કૂટર મળી કુલ રૂા. ૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મવડી ગામમાં રામધણ આશ્રમ પાસેથી રજની ધીરૂભાઈ પાનસુરિયા (ઉ.વ.૩૮, રહે સુભાષનગર, કોઠારીયા રોડ)ને રૂા. ૯૨ હજારની દારૂની ૩૦ બોટલ સાથે પકડી લીધો હતો.