Gujarat

ખાંભાના નાના વિસાવદર ગામેથી રૂા.59.64 લાખનો શરાબ પકડાયો

By GS TEAM
27 Dec 20252 mins read
ખાંભાના નાના વિસાવદર ગામેથી રૂા.59.64 લાખનો શરાબ પકડાયો

સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને એસએમસીનો દરોડો 

૧૨૭૨૬ બોટલ શરાબ, ચાર વાહનો મળી રૂા.૧.૦૪ કરોડના મુદ્દામાલ સાથે ગારિયાધારના એકની ધરપકડ, ૧૬ની સંડોવણી ખૂલી

અમરેલી: અમરેલી જિલ્લામાં દારૂબંધીની કોઈ અસર ન હોય એમ  દારૂના ધંધાર્થીઓ સ્થાનિક પોલીસનો ભય રાખ્યા વગર મોટી રકમનો દારૂ બહારના રાજયોમાંથી મંગાવીને વેચવા લાગ્યા છે. આજે અમરેલી જિલ્લાના ખાંભા મથકની પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે ખાંભાના નાના વિસાવદર ગામ પાસેથી પરપ્રાંતીય દારૂની ૧૨૭૨૬ બોટલ સહિત કુલ રૂ.૧.૦૪ કરોડના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી તેમજ અન્ય ૧૬ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ નજીકમાં આવતા થર્ટી ફર્ર્સ્ટ તહેવારની ઉજવણી માટે અમરેલી જિલ્લામાં દારૂની રેલમછેલ કરવા મોટે મોટા પાયે દારૂ ઠાલવવામાં આવેલ હોવાની ગાંધીનગરની એસ. એમ .સી. પોલીસને બાતમી મળેલ હતી જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પી એસ આઈ એસ .વી. ગળચરે  ટીમ સાથે ખાંભાના નાના વિસાવદર ગ્રામ્ય વિસ્તારમાં દરોડો પાડેલ હતો, જેમાં ટ્રકમાંથી પંજાબ બનાવટની દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨૭૨૬ નંગ બોટલ (રૂ ૫૯,૬૪,૩૯૦) મળી આવેલ હતી. આ બાબતે પોલીસે  પીકઅપ સહિત રૂ ૪૪ લાખના ચાર વાહનો સહિત કુલ રૂ ૧,૦૪,૬૯,૩૯૦ ના મુદામાલ સાથે તનવીર નાસિર હુસૈન (રે. ગારીયાધાર)ને ઝડપી લેવામાં આવેલ હતો, જ્યારે સોહેલ સૈયદ (રે.ગારિયાધાર)  સહિત ઝડપાયેલ વાહનોના માલિક સહિત સંડોવાયેલા અન્ય ૧૬ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ માલ કોણે મોકલ્યો હતો અને કોને કોને સપ્લાય આપવાનો હતો એ બાબતે પણ ઘનિષ્ટ તપાસ હાથ ધરવામાં આવશે.

નવાઈની વાત એ છે કે દૂર દૂરથી દારૂનો જથ્થો છેક ગ્રામ્ય મથકમાં પહોંચી જાય એ દરમિયાન અનેક પોલીસ મથકોનો વિસ્તાર તથા  પોલીસ ચોકીઓ પસાર કરાય છે આમ છતાં કોઈ ટપારતા ન હોય એવો તાલ સર્જાયો છે.