દારૃ, ટ્રક સહિત 70.26 લાખનો મુદ્દામાલ જપ્ત - પોરબંરના ટ્રક ચાલકની અટકાયત
રાજસ્થાનથી મધ્ય પ્રદેશ અને ત્યાંથી ગુજરાતની ચેકપોસ્ટ વટાવી દાહોદ, બરોડા, ખેડા અને અમદાવાદ જિલ્લામાંથી ટ્રક પસાર થઇ ગયો ઃ એલસીબીએ ઝડપી પાડયા
લીંબડી - અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડના પાટીયા પાસેથી ૫૭.૬૦ લાખનાં વિદેશી દારૃના જથ્થા સાથે પોરબંદરના ટ્રક ચાલકને સુરેન્દ્રનગર એલસીબી ટીમે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી ૪૩૯૬ વિદેશી દારૃ નો જથ્થો તથા સોયાબીન અને એક મોબાઈલ તથા ટ્રક મળીને પોલીસે કુલ રૃપિયા ૭૦.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર શખ્સો વિરૃદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
સુરેન્દ્રનગર એલસીબી ટીમનો સ્ટાફને ચુડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે લીંબડી-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડ ગામના પાટિયા પાસેથી બાતમી વાળા ટ્રકને ઉભો રાખી તપાસ હાથ ધરવામાં આવતાં સોયાવડીના કોથળા હટાવતાં તેની પાછળથી વિદેશી દારૃની ૪,૩૯૬ બોટલ (કિં.રૃ.૫૭,૬૦,૬૦૦) તથાં સોયાવડી મીણીયાની ૫૮૦ થેલી (કિં.રૃ ૨,૬૧,૦૦૦), એક મોબાઈલ (કિં.રૃ.૫,૦૦૦) તથાં ટ્રક (કિં.રૃ.૧૦,૦૦,૦૦૦) મળીને કુલ રૃપિયા ૭૦,૨૬,૬૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
પોલીસે ટ્રક ચાલક અજા ગલાભાઈ મોરી (રહે. ફુલીવાવ, પોરબંદર)ને વિદેશી દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો. તે અંગે પુછપરછ કરતાં જણાવ્યું કે 'જગા રીણાભાઈ રબારી'નો ફોન આવ્યો હતો કે તારી ટ્રક લઈને રાજસ્થાન ભિલવાડાથી દારૃનો જથ્થો ભરીને જામનગર જવાનું છે અને ભાડું ૭૦ હજાર નક્કી કર્યું હતું. અજો મોરીને ભિલવાડામાં સહયોગ હોટલમાં જગાના માણસો તેની પાસેથી ટ્રક લઈને સોયાબીનની આડમાં દારૃનો જથ્થો ભરીને સહયોગ હોટલ ખાતે આપી ગયા હતા.
અજો મોરી ભિલવાડાથી ચિત્તોડગઢ, નિમરાણા મધ્ય પ્રદેશ થઈને દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની બગોદરા થઈને લીંબડી અમદાવાદ રાજકોટ હાઈવે પર આવ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો લાવનાર અજો મોરી, જગો રીણાભાઈ રબારી, દારૃનો જથ્થો ભરી આપનાર તથાં એક અજાણ્યો શખ્સ સહિત ચાર શખ્સો વિરૃદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.
અગાઉ તા. ૧૬મી જાન્યુઆરીએ લીંબડી નજીક પરશુરામ ધામ પાસેથી રૃ.૨૭.૫૩ લાખનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. જેને લઈને પાણશીણા પોલીસ તથા લીંબડી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં હતાં. જ્યારે પાણશીણાના પાટિયા પાસે આવેલી ચેક પોસ્ટ પર પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ વિદેશી દારૃનો જથ્થો ભરેલી ટ્રક પસાર થતી હોય તેવું લાગી રહ્યું છે.


