બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો
- દારૂ, કાર સહિત રૂ. 30.39 લાખનો મુદ્દામાલ જપ્ત
- અમદાવાદથી રાજકોટ જતો દારૂ-બિયરના જથ્થા સાથે ઘાટલોડિયાના 4 શખ્સ ઝડપાયા : 5 સામે ગુનો
પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી એક સફેદ ટોયોટા ફોર્ચ્યુનરમાં દારૂનો જથ્થો ભરેલો છે અને તેની આગળ એક કાળા કલરની હ્યુન્ડાઇ વર્ન ગાડી પાઇલોટિંગ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે બંને ગાડીઓને પકડી પાડી રેડ કરી હતી. જેમાં દારૂ-બિયરના કુલ ૧૭૯૬ બોટલો/ટીન. કુલ કિં.રૂ.૫,૦૮,૪૨૦ છે. તેમજ ટોયોટા ફોર્ચ્યુનર ગાડી કિં.રૂ.૨૦,૦૦,૦૦૦ અને હ્યુન્ડાઇ વર્ના ગાડી કિં.રૂ.૫,૦૦,૦૦૦ , ૫-મોબાઈલ કિં.૨૮,૦૦૦, રોકડ રૂ.૨,૮૦૦ મળી કુલ કિં.રૂ. ૩૦,૩૯,૨૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે (૧) કુણાલ રમેશભાઇ રાજપૂત (૨) મનીષ રમેશભાઇ ભાભોર (૩) રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (૪) અર્જુન ગણેશભાઇ સોલંકી (તમામ રહે.ઘાટલોડિયા ગામ, અમદાવાદ)ને ઝડપી પાડયા હતા.
જ્યારે દારૂ ભરી આપનાર આરોપી મુકેશ ડામોર (રહે. ગોપાલપુરા, બલવાસા, મધ્યપ્રદેશ)ને વોન્ટેડ જાહેર કરી પાંચેય શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.