ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો
પોલીસને જોઇ ચાલક કાર મુકીને નાસી છુટયો
એલીસીબી પોલીસે દારૃ-કાર સહિત ૯.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી એલસીબી પોલીસે કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન ચાલક કાર મુકીને નાસી છટતા પોલીસે દારૃ, કાર સહિતનો ૯.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતાં અમદાવાદ-કચ્છ હાઈવે પર આવેલી કલ્પના ચોકડી પાસેથી દારૃ ભરેલ કાર પસાર થવાની ચોક્ક બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં તેને રોકી તલાસી લેતાં કારમાંથી વિદેશી દારૃની નાની-મોટી ૧૦૯૬ બોટલ કિં.રૃા.૪,૧૩,૨૦૦, બિયરના ૩૬૪ ટીન કિં.રૃા.૫૮,૦૮૦ તથા કાર કિંમત રૃા.૫,૦૦,૦૦૦ મળી કુલ રૃા.૯,૭૧,૨૮૦ના મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે ચાલક કાર મુકી નાસી છુટતા પોલીસે કાર ચાલક વિરૃધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે દરોડો પાડતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.