- દારૂના કટિંગ વખતે રેડમાં 2 શખ્સ ઝડપાયા
- આણંદ સહિત 5 જિલ્લા તડીપાર બુટલેગર દિવાલ કૂદી ભાગી ગયો : 12.72 લાખનો મુદ્દામાલ જપ્ત
આણંદ સહિત પાંચ જિલ્લાઓમાંથી તડીપાર કરાયેલા કુખ્યાત બુટલેગર બહાદુરસિંહ અમરસિંહ રાઠોડ હાડગૂડ વડોદ રોડ ઉપર આવેલા તેના ફાર્મ હાઉસમાં રહે છે અને ત્યાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરતો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. પોલીસની ટીમે છાપો મારતા બહાદુરસિંહ રાઠોડ પોલીસને જોઈ ફાર્મ હાઉસની દીવાલ કૂદીને ખેતરાળ રસ્તે ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ફાર્મ હાઉસ ખાતેથી પીકઅપ ડાલુ અને લોખંડના પીપ મળી આવ્યા હતા. તપાસ કરતાં લોખંડના પીપોમાં છુપાવી રાખેલા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૪,૭૦,૪૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ભાવેશ ઉર્ફે ભાવો વજેસિંહ પરમાર અને રમણભાઈ તળશીભાઈ રાઠોડ બંને રહે હાડગૂડવાળાને ઝડપી પાડી પીકઅપ ડાલુ તથા દારૂ સહિત રૂપિયા ૧૨,૭૨,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વાસદ પોલીસના હવાલે કરતા વાસદ પોલીસે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા બહાદૂરસિંહને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


