મિનરલ વોટરની આડમાં વિદેશી દારૂની હેરફેર, દમણથી દ્વારકા લઈ જવાતો રૂ. 39 લાખનો દારૂ ઝડપાયો
Dhandhuka: ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ધંધુકા પોલીસે બાતમીના આધારે ગત મોડી રાત્રે વોચ ગોઠવી હતી. જે અંતર્ગત મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારુના મસમોટા જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે અને પૂછપરછ બાદ ધંધુકા પોલીસે અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
બાતમી આધારે ધંધુકા પોલીસે વોચ ગોઠવી
મળતી વિગતો અનુસાર ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ધંધુકા પોલીસને ફેદરાથી ધંધુકા તરફ આવી રહેલા ટ્રકમાં પાણીની બોટલોની આડમાં વિદેશી દારુનો જથ્થો છુપાવી દારુની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ધંધુકા પોલીસે વોચ ગોઠવી હતી.
પોલીસે કુલ રુપિયા 46,12,340 નો મુદામાલ કબજે કર્યો
પોલીસને બાતમીદારે આપેલી વિગતો પ્રમાણે ટ્રક નંબર GJ25T9459ને થોભાવી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન ટ્રકમાંથી પાણીની બોટલના કેરેટ નીચે છૂપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારુની 750 મી.લી.ની બોટલો નંગ-960 તથા 180 મી.લી.ની કાચની બોટલો નંગ. 5184 તથા 180 મી.લી.ની પ્લાસ્ટિકની બોટલો નંગ. 4368 તથા બીયર ટીન નંગ 1632 મળી કુલ ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ તથા બીયર મળી કુલ રુપિયા 39,39,840 ની કિંમતની 12144 નંગ બોટલો, મોબાઇલ, ટ્રક નંબર GJ25T9459 તથા પાણીની બોટલોના કેરેટો 875 સહિત પોલીસે કુલ રુપિયા 46,12,340 નો મુદામાલ કબજે કર્યો હતો.
ધંધુકા પોલીસે ત્રણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
આ સાથે અમરાભાઈ ગલાભાઈ મોરી (રહે.રાણપર, તા.ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)ને ઝડપી લઈ પુછપરછ કરતા તે આ દારુનો જથ્થો તેમના ગામના નાગાભાઈ રાજાભાઈ કોડીયાતરના કહેવાથી લાવી રહ્યો હોવાની વાત કરી હતી અને દમણથી અજાણ્યા શખ્સે ભરી આપ્યો હતો. આ અંગે ઉક્ત ત્રણેય વિરુદ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.