મકાનમાં છૂપાવેલો રૂા.3.56 લાખનો દારૂ સગેવગે થાય તે પૂર્વે પોલીસના હાથે લાગ્યો
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ સ્થળેથી દારૂનો જથ્થા મળ્યો
એલસીબીએ રૂવાપરી રોડ પર જર્જરિત મકાન ઉપરાંત કારમાં રખાયેલો દારૂ ઝડપ્યો : બગદાણા પોલીસે ગળથર ગામેથી બેને દારૂના ચપટાં સાથે ઝડપ્યા
વિદેશી દારૂ ઝડપાઈ જવાની પ્રથમ ઘટનાની વિગત એવી છે કે, શહેરના રૂવાપરી રોડ ટેકરી ચોકના પાછળના ભાગે મંછાશેઠના જર્જરિત મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થતો હોવાની ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડતાં જર્જરિત મકાનના ઓરડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૫૫૨ બોટલ કિંમત રૂા.૩,૫૬,૨૬૮ના મુદ્દામાલ સાથે હરેશ ઉર્ફે જટી રમેશભાઈ વાઘેલા (રહે.મફતનગર,ખેડૂતવાસ)ઝડપાયો હતો. એલસીબીએ દારૂના જથ્થા સાથે ઝડપાયેલાં ઈસમ વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે,ભાવનગર શામપરા (સીદસર) ગામથી આગળ કણકોટ જવાના રસ્તે નાળા પાસે રવિ ગભરુભાઈ ખાચરે જીજે-૧૩-સીએ-૫૪૦૦ નંબરની કારમાં બહારથી લાવેલો દારૂ રાખ્યો હોવાની ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ સ્થળ પર જઈ તપાસ કરતા બાતમીવાળા સ્થળે રહેલી કારની ડિકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ.૧,૨૪,૫૮૪ની કિંમતની ૧૭૯ બોટલ અને કાર સહિત કુલ રૂા.૫,૨૪,૫૮૪નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ેજને કબ્જે લીધો હતો જ્યારે સ્થળે કોઈ હાજર નહી મળી આવતા રવિ ગભરુભાઈ ખાચર (રહે.કાળિયાબીડ, ભાવનગર) સામે વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. ઉપરાંત મોણપર ગામના હેંમત ઉર્ફે હેમુ ખાટાભાઈ ગોહિલ ગળથર ગામના જગદીશ ભરતભાઈ ચાવડાને ખારી રોડે, દારૂનો જથ્થો આપવા જવાનો હોવાની બાતમીના આધારે બગદાણા પોલીસે તપાસ કરતા ઉક્ત બન્ને ઈસમોને વિદેશી દારૂના ૪૮ ચપટા સાથે ઝડપી પાડયા હતા. અને બન્ને વિરૂદ્ધ બગદાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ તળે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.