દારૂની 108 બોટલો, દારૂનાં 1,486 ક્વાટરીયા અને બિયરનાં 216 ટીન સાથે એક બાઈક કબ્જે કરાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ. સી. બી પોલીસને બાતમી મળી હતી કે, રાપર રહેતા મનજી માવજી કોળી, રાપરનાં ફતેહગઢમાં રહેતા ગંગારામ વેરશીભાઈ કોળી ફતેહગઢમાં જ રહેતા દિનેશ તેજાભાઈ કોળીનાં કબ્જાનાં ફતેહગઢની સીમમાં રતડીયા વાડી વિસ્તારમાં આવેલા ખેતરનાં સેઢામાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યા છે. જે સચોટ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી ખેતરનાં સેઢા પાસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની કુલ ૧૦૮ બોટલો, દારૂનાં ૧,૪૮૬ ક્વાટરીયા અને બિયરનાં ૨૧૬ ટીન જેમની કુલ કિંમત રૂ. ૨,૭૭,૬૫૮નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જેમાં ખેતર પર માલની હેરાફેરી માટે રાખેલી એક બાઈક પણ કબ્જે કરી હતી. જ્યારે દારૂનો જથ્થો વેચાણ અર્થે સંતાડી રાખનાર ત્રણેય આરોપી પોલીસને હાથ આવ્યા ન હતા. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથધરી હતી.


