Gujarat

ધ્રાંગધ્રા ડિવિઝનમાંથી પકડાયેલા રૂ. 1.12 કરોડના દારૂનો નાશ કરાયો

By GS TEAM
25 Dec 20251 min read
ધ્રાંગધ્રા ડિવિઝનમાંથી પકડાયેલા રૂ. 1.12 કરોડના દારૂનો નાશ કરાયો

- ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં

- પાટડી, બજાણા, ઝીંઝુવાડા અને દસાડા પોલીસ મથકની હદમાં ઝડપાયેલી દારૂની 24,190 બોટલ પર બુલડોઝર ફેરવાયું

સુરેન્દ્રનગર/ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. પાટડી ખાતે સરકારી ખરાબાની જમીન પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ દ્વારા જપ્ત કરાયેલ આ મુદ્દામાલના નિકાલ માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા ચાર પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બજાણા પોલીસ મથકની ૧૨,૨૭૬ બોટલો (રૂ. ૭૭.૮૬ લાખ), પાટડીની ૭,૩૪૨ બોટલો (રૂ. ૨૩.૨૨ લાખ), દસાડાની ૪,૪૯૮ બોટલો (રૂ. ૧૧.૬૩ લાખ) અને ઝીંઝુવાડા પોલીસ મથકની ૭૪ બોટલો મળી કુલ ૨૪,૧૯૦ બોટલોનો નાશ કરાયો હતો. આ તમામ મુદ્દામાલની કુલ બજાર કિંમત અંદાજે રૂ. ૧,૧૨,૮૫,૮૪૯ જેટલી થાય છે. 

દારૂના નાશની આ પ્રક્રિયા ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહિત, પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેક્ટર), નશાબંધી અધિકારી તેમજ ચારેય પોલીસ મથકોના પી.આઈ.ની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. દારૂની હજારો બોટલો પર જેસીબી અને બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી.