Gujarat

સેલવાસથી ટ્રકમાં જામનગર આવતો 43.03 લાખનો દારૂ પારડી હાઇવે પરથી પકડાયો

By GS TEAM
23 Jun 20252 mins read
સેલવાસથી ટ્રકમાં જામનગર આવતો  43.03  લાખનો દારૂ પારડી હાઇવે પરથી પકડાયો

પ્લાસ્ટિકના ખાલી ડબ્બાની આડમાં સંતાડેલી દારૂની 354 પેટી સાથે ચાલક સહિત 2 ઝડપાયા : જામનગરનો બુટલેગર વસીમ દરજાદા વોન્ટેડ

વાપી, જામનગર : ૫ારડીના ખડકી હાઈવે પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સેલવાસથી ટ્રકમાં જામનગર લઈ જવાતો રૂ. 43.03 લાખનો દારૂ જથ્થો જપ્ત કરી ચાલક સહિત 2ની ધરપકડ કરી હતી. જયારે જામનગરના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. પ્લાસ્ટિકના ખાલી ડબ્બાના જથ્થાની આડમાં દારૂની 354 નંગ પેટીઓ સંતાડવામાં આવી હતી. 

વલસાડ જીલ્લાના લાકલ ક્રાઈમ બ્રાન્ચના પો.કો.તેજપાલસિંહ સિસોદીયા અને હિતેશ ચાવડાને મળેલી બાતમીના આધારે ટીમે સોમવારે પારડીના ખડકી હાઈવે પર રામદેવ ધાબા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સુરત તરફ જઈ રહેલી બાતમી મુજબની ટ્રક (નં.જીજે-32-ટી-5353) અટકાવી ચાલક આશિફ કાસમભાઈ જોખીયાની પૂછપરછ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના ખાલી ડબ્બાનો જથ્થો ભરેલો હોવાનું જણાવ્યું હતું. જોકે, બાતમી પાક્કી હોવાથી પોલીસે તપાસ કરતા ટ્રકના આગળના ભાગે ખાલી પ્લાસ્ટિકના ડબ્બાનો જથ્થો અને પાછળના ભાગે સંતાડેલી 354 નંગ દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે પ્લાસ્ટિકના ડબ્બાનો જથ્થો અને દારૂની પેટીઓ ઉતારી હાથ ધરેલી ગણતરીના અંતે રૂ. 43.03 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ રૂ. 53.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક આશિફ જોખીયા (ઉ.વ. 32) અને ક્લિનર રઈશ હનીફ બલોચ (ઉ.વ. 34) (બંને રહે. જામનગર)ની ધરપકડ કરી હતી. 

બંનેની પૂછપરછ કરતા પાંચ દિવસ અગાઉ જામનગર ખાતે રહેતા વસીમ યુસુફ દરજાદાએ ફોન કરી સેલવાસથી ટ્રકમાં દારૂ ભરી જામનગર લાવવાનું જણાવી એક ટ્રીપના રૂ. 20,000 આપવા જણાવ્યું હતું. ચાલક અને ક્લિનર ટ્રક લઈ સેલવાસ પહોંચી દારૂ ભરી જથ્થો જામનગર લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું. પારડી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી જામનગરના બુટલેગર વસીમ દરજાદાને વોન્ટેડ જાહેર કર્યો છે.