વારસીયામાંથી રૂ.2.38 લાખનો દારૂ જપ્ત : પિતાની ધરપકડ, પુત્ર સહિત ત્રણ વોન્ટેડ

Vadodara Liquor Case : વડોદરા વારસીયા વિસ્તારમાં પીસીબી પોલીસે રેડ કરીને રૂ.2.38 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના પુત્ર સહિતના ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે. દારૂ, રિક્ષા અને મોબાઇલ કિંમત રૂ.3.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી સંતકવર કોલોનીમાં રહેતો પ્રકાશ હોતચંદ ગંગલાણી તેના પુત્ર સાથે વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે. પિતા પુત્રે દારૂનો જથ્થો તેના ઘરમાં તથા અડધો દારૂ રિક્ષામાં ભરી મુક્યો છે. તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી. જેથી પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને રૂ.2.38 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂને વેચાણ કરનાર પ્રકાશ ગંગલાણીને વિદેશી દારૂ, રિક્ષા અને એક મોબાઇલ મળી રૂ.3.14 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી માટે વારસીયા પોલીસને સોંપ્યો છે. જ્યારે પુત્ર વિનોદ પ્રકાશ ગંગલાણી, પ્રેમ સેવકરામ પહેલવાણી તથા દારૂનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.