સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ : વધુ ત્રણ સ્થળે રૂા.5.58 લાખનો શરાબનો જથ્થો ઝડપાયો

ધોરાજી નજીક 'કટિંગ' સમયે જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી
મોરબીમાં નદીના કોઝવે પાસેથી બાવળમાં છૂપાવેલી 87 બોટલ મળી, જામનગર નજીક 132 બોટલ સાથે એક શખ્સ પકડાયો, અન્ય બે ફરાર
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચની ટીમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુપેડી અને નાની વાવડી ગામની વચ્ચે સીમ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા દરોડો પાડયો હતો. જ્યાં એક બોલેરો કારમાંથી રૂા.૩.૧૮ લાખની કિંમતનાં ઇંગ્લિશ દારૂના જથ્થા સરમણ ઉર્ફે વિજય રમેશભાઇ હૂણ (રહે. કેરાળા ગામ, ઉપલેટા) નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. જ્યારે વિપુલ માંડાભાઈ રબારી (રહે. જુનાગઢ)નું નામ ખુલતા શોધખોળ હાથ ધરી હતી. આ સાથે વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂા.૬.૧૮ લાખનો મુદામાલ કબજે લીધો હતો.
બીજા બનાવમાં મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન બાતમીના આધારે લાભનગરમાં કાલીન્દ્રી નદીના કોઝવે પાસે બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂની રૂા.૪૩,૫૦૦ની કિંમતની ૮૭ બોટલનો જથ્થો મળ્યો હતો. જેમાં ખોડા ભરત કગથરા (રહે. લાભનગર સામે, મોરબી-૨)નું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં જામનગર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળતા દરોડો પાડીને વસઇ ગામના પાટીયા પાસે બાવળની ઝાળીમાંથી યશપાલસિંહ ધનુભા જાડેજા (રહે. ખાનપર ગામ, રામદેવ પીરના મંદીર પાસે, મોરબી)ના કબ્જામાંથી રૂા. ૧.૯૭ લાખની કિંમતની વિદેશી દારૂની ૧૩૨ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી દારૂ, બાઈક, મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૨.૩૨ લાખની કિંમતનો મુદામાલ કબજે કરીને દારૂ સપ્લાય કરનાર હેરભા ગઢવી (રહે. પરોડીયા, તા. ખંભાળીયા) તથા દારૂ વેચાણ માટે મંગાવનાર પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઇ કટીયાર (રહે. જામનગર)ની શોધખોળ શરૂ કરી હતી.