- ગોડાઉનના માલિક સહિતની વિગતો જાહેર ના કરાતા સવાલો
- ખેડાના કનેરાના દેલ્હી વેરી લિ. કંપનીના ગોડાઉનમાંથી સતત બીજા દિવસે મોટો દારૂનો જથ્થો ઝડપાયો
નડિયાદ : ખેડાના કનેરા ગામના વેરહાઉસના ગોડાઉનમાંથી સતત બીજા દિવસે કુરિયરની આડમાં પાર્સલમાં હેરાફેરી થતા રૂા. ૮.૧૬ લાખના દારૂની ૨,૫૯૨ બોટલોનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડયો છે.
એલસીબી ખેડા પોલીસે તા.૧૦મી નવેમ્બરે કનેરા ખાતે દેલ્હી વેરી લિમિટેડ કંપનીના ગોડાઉનમાંથી કુરિયરના પાર્સલોમાં મોકલેલો વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડયો હતો. સતત બીજા દિવસે ગઈકાલે સાંજે એલસીબી ખેડા પોલીસે કનેરા ગામે દેલ્હી વેરી લિમિટેડ કંપનીના ગોડાઉનમાં રેડ પાડી કુરિયર કંપનીના પાર્સલોની તપાસ કરી હતી. સાઈ એન્ટરપ્રાઇઝ ગોવાની કંપની દ્વારા મોકલાવેલા પાર્સલના લાકડાના ૩૨ બોક્સમાંથી વિદેશી દારૂની ૨૫૯૨ બોટલો કિંમત રૂ.૮,૧૬,૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. કુરિયરના પાર્સલ પર રાધે એન્ટરપ્રાઇઝ વંથલી જુનાગઢ તેમજ દીપ એન્ટરપ્રાઇઝ કેશોદ જુનાગઢનું પાર્સલ મંગાવનારનું નામ સ્ટીકર પર લગાવેલું હતું. જો કે, વિદેશી દારૂના પાર્સલો જે ગોડાઉનમાંથી મળ્યા તેના માલિક કે પાર્સલ મંગાવનારા અને મોકલનારાના નામ અને ઓળખ જાહેર થઈ નથી.
આ ગોડાઉનમાંથી અગાઉ પણ કુરિયર સર્વિસના પાર્સલની આડમાં હેરાફેરી કરાતા લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ હજુ સુધી વિદેશી દારૂની હેરાફેરીમાં કોણ સંડોવાયેલું છે તેની ઓળખ જાહેર નહીં કરાતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
આ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે પાર્સલ મોકલનારી કુરિયર કંપની તેમજ પાર્સલ મંગાવનારી કંપનીઓ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


