Gujarat

હાઇવે પર પાર્ક કરેલી બિનવારસી કારમાંથી દારૃ મળ્યો

By GS TEAM
24 Aug 20251 min read
હાઇવે પર પાર્ક કરેલી બિનવારસી કારમાંથી દારૃ મળ્યો

વડોદરા,દુમાડ હાઇવે નજીક રોડ પર  પાર્ક કરેલી  બિનવારસી  કારમાંથી પોલીસે બિયરના ૨૮૬ ટીન કબજે કર્યા છે. કુલ ત્રણ બનાવમાં પોલીસે દારૃની ૩૫૪ બોટલ કબજે કરી છે.

ખોડિયાર નગર સફેદ વુડાના મકાનમાં રહેતો જગદીશ ઉર્ફે જગ્ગી વસાવા વિદેશી દારૃનો ધંધો કરતો હોવાની માહિતીના આધારે બાપોદ પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઇ વસાવા પાસેથી દારૃની એક બોટલ મળી આવી હતી. તેમજ થોડે દૂર લાકડાના ઢગલામાંથી દારૃની બોટલો ભરેલો થેલો મળી આવ્યો હતા.પોલીસે આરોપી પાસેથી દારૃની ૪૮ બોટલ કિંમત રૃપિયા ૪,૩૨૦ ની કબજે લીધી હતી.

અન્ય એક બનાવમાં છાણી પોલીસે હાઇવે પર દુમાડ કટથી જી.એસ.એફ.સી. તરફ જવાના રોડ પર બે ટ્રક વચ્ચે પાર્ક કરેલી લાલ કલરની બિનવારસી કારમાંથી બિયરના ૨૮૬ ટીન કિંમત રૃપિયા ૫૭,૩૫૦ ના  કબજે કર્યા છે.

સયાજીગંજ પોલીસે કાલા ઘોડા સર્કલ પાસેથી મોેપેડમાં દારૃ લઇને જતા  આરોપી હર્ષદ ચંદ્રસિંહ ચૌહાણ (રહે. રણછોડજી ફળિયું, ગોરવા  ગામ) ને ઝડપી પાડી દારૃની ૨૪ બોટલ કબજે કરી છે.