Get The App

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલાસો

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલાસો 1 - image
AI IMAGE

Liquor Smuggling News: રાજસ્થાનના બુટલેગર અનિલ પંડીતે દારૂના નેટવર્કને ચાલાકીપૂર્વક ગોઠવીને ડીજીપીના વડપણ હેઠળની સ્ટેટ મોનિટરીંગ સેલની શાખને પડકારી છે. એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે, બુટલેગર અનિલ પંડીત ક્યા નંબરના વાહનમાં દારૂ મોકલી રહ્યો છે તેની બાતમી પોલીસને મળે. પણ, બુટલેગર એક જ સમયે, એક સાથે એક જ નંબરના ત્રણ ટ્રક અને ટેન્કર ગુજરાતીની જુદી જુદી બોર્ડરથી ધુસાડવાની પેંતરાબાજી કરતો આવ્યો છે. ત્રણ વાહનોમાંથી પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂ છૂપાવીને મોકલાય તે પકડાય તો પણ તેમાં દારૂ છે કે કેમ? તેની તપાસ માટે પોલીસે જોખમભરી તપાસ કરવી પડે છે. જો કે, બુટલેગર અનિલ પંડીતની ચાલાકીભરી મોડસ ઓપરેન્ડી ઘ્વસ્ત કરવા માટે સ્ટેટ સેલ ઉપરાંત ડીજીપી સ્કવોડ સક્રિય થતાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.

પેટ્રોલિયમ ટેન્કર્સમાં હેરાફેરીની ચાલાકી

ગત 20 જુલાઈએ વડોદરાના કરજણ પાસે ગ્રામ્ય એલસીબીએ પોણા બે કરોડનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડ્યું તે સાથે જ બુટલેગર અનિલ પંડીત અને સ્ટેટ સેલના હેડ કોન્સ્ટેબલ સાજણ આહીરના મેળાપિપણાનો પર્દાફાશ થયો. બુટલેગર અનિલ પંડીતે હવે ગુજરાતના ડીજીપીના વડપણ હેઠળની સ્ટેટ મોનિટરીંગ સેલની શાખને પડકારતાં ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં બુટલેગર અનિલ પંડીતની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થઈ રહ્યો છે.

સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો અનુસાર, અનિલ પંડીત રાજસ્થાન, હરિયાણા અને પંજાબની ડિસ્ટીલરીમાંથી એક જ બેચ નંબરનો ડબલ માલ બનાવડાવી વિદેશ બેઠાંબેઠાં દિલ્હી, ઉારપ્રદેશ, મઘ્યપ્રદેશ અને રાજસ્થાન રૂટથી ગુજરાતમાં ઠાલવી રહ્યો છે. સ્ટેટ સેલના બાતમીદારો ક્યા વ્હીકલ નંબરમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે તેની બાતમી આપી શકે છે. પણ, બુટલેગર અનિલ પંડીતની ટોળકી એક જ નંબરના ત્રણ પેટ્રોલિયમ ટેન્કર અને ટ્રક એક સાથે અને એક સમયે જુદી જુદી બોર્ડરથી ગુજરાતમાં રવાના કરતી હતી.

એક જ નંબરના ત્રણ વાહનો ગુજરાતમાં આવે તેમાંથી શેમાં દારૂ હશે તે પકડવું મુશ્કેલ બની જાય તે સ્વાભાવિક છે. આ ગુંચવણ વચ્ચે એક વાહન પકડાય તો બાકીના બે વાહનમાં દારૂ કે અન્ય ગેરકાયદે સામાન ગુજરાતમાં ધુસાડી દેવાની પંતરાબાજી સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. એક જ નંબરના ત્રણ ટેન્કર કે ટ્રેલરથી દારૂ અને નશાનું નેટવર્ક ભેદવું પોલીસ માટે આસાન નથી.

મહદ્દઅંશે પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂ કે બિયરનો કરોડોનો જથ્થો ભરી દેવામાં આવતો હતો. જ્વલનશીલ પ્રવાહીના ટેન્કરમાં દારૂ હોય તેવી વિગતો હોવા છતાં પોલીસે સલામતી સાથે તપાસ કરી પડે છે. આ સંજોગોમાં ટેન્કર પકડાય તો પોલીસે પહેલાં ફાયરબ્રિગેડની મદદ લેવી પડે છે. ફાયરબ્રિગેડને સાથે રાખીને પેટ્રોલિયમ ટેન્કરનું પતરૂં કપાવીને તપાસ કરાય અને તેમાંથી કરોડોની કિંમતનો દારૂ, બિયર મળી આવે છે. ચાલુ વર્ષે સ્ટેટ સેલે આ પ્રકારે હેરાફેરીથી ગુજરાતમાં ધુસાડાયેલો 30 કરોડની કિંમતનો દારૂ પકડ્‌યો છે.

ચોર-પોલીસની આ ગેમમાં આ વખતે બુટલેગર અનિલ પંડીતે ગુજરાત ડીજીપીની મોનિટરીંગ સેલને પડકારી છે. બુટલેગરની ચાલાકીથી ગુજરાત પોલીસની શાખ સામે પડકાર ઉભો થયો છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રકારે ગુજરાતમાં અબજો રૂપિયાનો દારૂ વહાવી ચૂકેલા બુટલેગરના નેટવર્કનો પર્દાફાશ સ્ટેટ સેલ કરી શકશે કે કેમ? તે અંગે પોલીસ તંત્રમાં પણ અનેક ચર્ચાઓ છે.

પોલીસ એલર્ટ છતાં બુટલેગરના 56 લાખના બિયર ટીન કચ્છ પહોંચ્યા પણ ટેન્કર પકડાયું

મોસ્ટ વોન્ટેડ એવા રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અનીલ જગદીશપ્રસાદ જાટ ઉર્ફે પાંડ્યા ઉર્ફે પંડીત સામે પોલીસ એલર્ટ છે છતાં કચ્છમાં તેણે 56 લાખ રૂપિયાના  બિયરનો જંગી જથ્થો રવાના કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગુરૂવારે સામખિયાળીમાં ઠાલવવા માટે એક ટેન્કરમાં રૂ. 56,85,120ના કિંમતના 24,192 બિયરના ટીન રવાના કર્યાં હતાં તે પકડી પાડ્યાં હતાં. સૌથી મોટો સવાલ એ છે કે, બુટલેગર અનીલ પંડીત સામે રાજ્યની પોલીસ એલર્ટ અને એક્ટિવ મોડમાં છે તો પણ રાજસ્થાનથી કચ્છના સામખિયાળી સુધી અડધા કરોડની કિંમતના બિયરના ટીન ભરેલું ટેન્કર પહોંચી કઈ રીતે ગયું? કચ્છ જિલ્લા પોલીસ શંકાના દાયરામાં છે.

Tags :