Gujarat

લીંબડી, થાન, ચોટીલા તાલુકામાંથી રૃ.1.12 લાખનો દારૃ-બિયર ઝડપાયા

By GS TEAM
19 Dec 20252 mins read
લીંબડી, થાન, ચોટીલા તાલુકામાંથી રૃ.1.12 લાખનો દારૃ-બિયર ઝડપાયા

31મી ડિસેમ્બર દારૃની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થયા

દરોડામાં 4 શખ્સ ઝડપાયા, આઠ નાસી છુટયા - દારૃ-બિયરના 358 ટીન-બોટલ જપ્તઃ 12 શખ્સ સામે ગુના

સુરેન્દ્રનગર,લીંબડી  -  ગુજરાતમાં ૩૧મી ડિસેમ્બરે દારૃની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૃના અલગ અલગ છ દરોડામાં રૃ.૧,૧૨,૬૯૦ની કિંમતનો દારૃ-બિયરના ૩૫૮ ટીન-બોટલ સાથે ચાર શખ્સને ઝડપી પાડયા હતા. દરોડા દરમિયાન આઠ શખ્સ નહીં ઝડપાતા પોલીસે ૧૨ શખ્સ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નાની મોલડી પોલીસે ચોટીલાના ઝીંઝુડા ગામે વાડી વિસ્તારના રહેણાક મકાનમાંથી દારૃની ૦૫- બોટલ (રૃ.૩૩૬૫)નો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ અનુરાગભાઈ રામકુભાઈ ખાચર વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ચોટીલા પોલીસે ખુશીનગર વિસ્તારના રહેણાંક મકાનમાં રેઇડ કરી ઇંગ્લિશ દારૃ તથા બિયરના ૧૯૮ બોટલ (રૃ.૬૮,૮૭૫) નો મુદામાલ કબજે કર્યોે હતો અને રવિભાઈ વાલજીભાઈ ધાધલ પાસેથી એક મોબાઇલ (રૃ.૧૦,૦૦૦) તથા એક કાર (રૃ.૩,૦૦,૦૦૦) મળી કુલ રૃ. ૩,૭૮,૮૭૫ રૃપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ વનરાજભાઇ ભગુભાઈ ખાચર, શિવરાજભાઈ માંંજરીયા તથા યુવરાજભાઈ દિલીપભાઈ ખાચર સહિત ચાર શખ્સો વિરુધ ગુનો નોંધી કાર્યવાહી  હાથ ધરી હતી.

જોરાવરનગર પોલીસે મુળી હાઈવે પર ગૌતમભાઈ રમેશભાઈ શિહોરાને ઈંગ્લીશ દારૃની ૦૨-બોટલ (રૃ.૨,૨૦૦) સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબડી પોલીસે સરકારી હોસ્પિટલ નજીક એક શંકાસ્પદ શખ્સને અટકાવી પૂછપરછ કરતા સરકારી હોસ્પિટલ પાછળ અવાવરૃ જગ્યામાં ઈંગ્લીશ દારૃ છુપાવેલ હોવાનું જણાવતા શખ્સને સાથે રાખી તપાસ કરતા ઈંગ્લીશ દારૃની ૮૫ બોટલ (રૃ.૨૨,૦૦૦) મળી આવતા કરણ ઉર્ફે ટલી નરેશભાઈ સોલંકી પાસેથી એક મોબાઇલ (રૃ.૫,૦૦૦) સહિત રૃ.૨૭,૦૦૦નો મુદામાલ કબજે કરી પ્રાથમિક પૂછપરછ દરમિયાન બે શખ્સોએ ઈંગ્લીશ દારૃ કમિશન પર વેચાણ માટે આપ્યો હોવાનું જણાવી રાહુલ ઉર્ફે બુ્રસ્લી તથા પ્રકાશ ઉર્ફે બોબી સહિત ત્રણેય વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

થાનગઢ પોલીસે આંબેડકરનગર વિસ્તારમાં ટુ-વ્હીલર લઇનો ઉભેલો શખ્સ પોલીસને જોતા પોતાનું ટુ વ્હીલર મૂકી નાશી ગયો હતો. પોલીસે ટુ વ્હીલરમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૃની ૧૬ બોટલ (રૃ.૨,૨૫૦) તથા ટુ વ્હીલર (રૃ. ૩૦,૦૦૦) મળી રૃ.૩૨,૨૫૦નો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ ટુ વ્હીલર ચાલક વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબડી તાલુકાના નટવરગઢ ગામની સીમમાં વાડીની ઓરડીમાં ઇંગ્લિશ દારૃ છુપાવી વેચાણ કરતા હોવાની બાતમીને આધારે લીંબડી પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૃ તથા બિયરના ૫૨ ટીન-બોટલ (રૃ.૧૪,૦૦૦) સાથે પ્રભુભાઈ ધુડાભાઈ મેણીયાને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ રૃ.૧૦,૦૦૦ મળી રૃ.૨૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ઇંગ્લિશ દારૃનો જથ્થો છુપાવી રાખવામાં ભાગીદાર હાજર નહિ મળી આવેલ મેહુલભાઈ બળદેવભાઈ મેણીયા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.