વડોદરા, તા.13 વડોદરા નજીક સાંગમા ગામ પાસેના આશિર્વાદ ફાર્મમાં દારૃના જથ્થાનું થતું કટિંગ જિલ્લા પોલીસે ઝડપી પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે બે શખ્સો દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ પાદરાથી સફેદ રંગની એક બલેનો ગાડી ભાયલી ફાટક તરફ આવે છે જેમાં દારૃનો જથ્થો ભર્યો છે તેવી માહિતીના આધારે ગઇ રાત્રે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલકે યુ ટર્ન મારી તે પરત પાદરા તરફ ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસે ગાડીનો પીછો કરતા દારૃ ભરેલી ગાડી સાંગમા ગામ પાસે આશિર્વાદ ફાર્મમાં અંદર ગઇ હતી અને બાદમાં ગાડી મૂકી અંદરથી બે શખ્સો ફાર્મની દીવાલ કૂદીને ભાગી ગયા હતાં.
પોલીસે ફાર્મની અંદરથી દિપેન ઉર્ફે ભટુ પ્રમોદભાઇ ભટ્ટ (મહાલક્ષ્મી સો., પાદરા), યુવરાજ જયંતિ પરમાર (રહે.બામણીયાકૂવા પાસે, પાદરા) અને હાર્દિક સુરેશભાઇ પટેલ (રહે.આંધવભૂલીની ખડકી, પાદરા)ને ઝડપી પાડયા હતાં. ફાર્મના ખુલ્લા શેડની નીચે તેમજ ગાડીમાંથી રૃા.૧૨.૩૪ લાખ કિંમતની દારૃની ૨૩૬૦ બોટલો મળી હતી. પોલીસે દારૃનો જથ્થો, એક બલેનો ગાડી તેમજ ચાર મોપેડ, ચાર મોબાઇલ મળી કુલ રૃા.૧૭.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા શખ્સોએ જણાવ્યું હતું કે કિરણ કહાર કહે તે મુજબ દારૃનો જથ્થો લાવી આપતા હતાં. પોલીસે કિરણ ઉપરાંત મોપેડના અન્ય ચાલક રાહુલ માળીને ફરાર જાહેર કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.


