Gujarat

રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડોવણી

By GS TEAM
31 Aug 20252 mins read
રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું  રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડોવણી

વડોદરા, તા.31 વડોદરા રેલવે યાર્ડના મેમુ કાર શેડના સ્ટોર રૃમમાંથી દારૃનો મોટો જથ્થો રેલવે કર્મચારી અને આરપીએફ કોન્સ્ટેબલના પુત્રએ રાખ્યો  હોવાનો પર્દાફાશ થતાં બંને સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

ગઇકાલે શહેર પોલીસની પીસીબી શાખાએ દારૃનો જથ્થો લઇને જતા એક શખ્સને ઝડપી પાડયા બાદ રેલવે યાર્ડમાંથી દારૃ લાવ્યો હોવાની કબૂલાતના પગલે રેલવે પોલીસ પણ દોડતી થઇ હતી અને રેલવે યાર્ડ વિસ્તારમાં મેમુ કાર શેડ ખાતે રેલવેના સ્ટોર રૃમમાં દારૃનો જથ્થો હોવાની માહિતીના આધારે સ્ટોર રૃમ રેલવેના કોન્ટ્રાક્ટર જયેશ રમણીકલાલ સેજલીયા (રહે.સ્વર્ણ રેસિડેન્સી, જીઆઇડીસી, અંકલેશ્વર)ના અંડરમાં હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે કોન્ટ્રાક્ટરને બોલાવી રૃમ ખોલતા અંદરથી સફેદ મિણિયા થેલાઓ, સિમેન્ટની થેલીઓ અને કન્સ્ટ્રક્શનના ઓજારો મૂકેલા હતાં. સફેદ મિણિયા થેલાઓ તપાસતાં દારૃની પેટીઓ જણાઇ હતી. પોલીસે કુલ રૃા.૩૮ લાખનો દારૃનો જથ્થો કબજે કર્યો  હતો. આ અંગે રેલવે પોલીસવડા ડો.અભય સોનીએ જણાવ્યું હતું કે નવાયાર્ડમાં રહેતા રેલવે કર્મચારી રુબીન ઉર્ફે કટ્ટે યુસુફમિયા શેખ અને નડિયાદ આરપીએફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ કુંતલના પુત્ર કપિલસિંગની સંડોવણી હોવાનું બહાર આવતા બંને સામે ગુનો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના અંડરમાં રેલવેની માલિકીનો સ્ટોર રૃમ હતો તો નામચીન શખ્સો પાસે તેનો કબજો કેવી રીતે ગયો તે અંગે તપાસ કરવા માટે કોન્ટ્રાક્ટરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલા સમયથી સ્ટોર રૃમનો ઉપયોગ દારૃના ગોડાઉન તરીકે થતો હતો તે અંગે પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.