મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત

મોત લખ્યું હોય તો કોઈ બચાવી ન શકે તેનો દાખલો : માગરોળના દિવાસા નજીક કેનાલમાં વેલ અને ઘાસમાં પગ ફસાઈ જવાથી બચવા માટે સિંહણે અનેક પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા
જૂનાગઢ, : માંગરોળના દિવાસા નજીક રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલી સિંહણનું કેનાલમાં ફસાઈ જતા મોત થયું છે. દિવાસા ગામના ડેલામાં સિંહણ ઘૂસી જતાં વનતંત્રએ સિંહણનું રેસ્ક્યુ કરી ગામની બહાર તેને છોડી દીધી હતી પરંતુ રેસ્ક્યુ કર્યાને થોડીવારમાં જ ગામ નજીક આવેલી કેનાલમાં વેલ અને ઘાસ વધુ હોવાથી સિંહણનો પગ ફસાઈ જતા તેનું મૃત્યું થયું હતું.
જંગલ છોડી બહાર નીકળેલા સિંહો પર અનેક પ્રકારના જોખમ મંડરાયેલા છે. માંગરોળના દરિયા કિનારે સિંહોનો વસવાટ શરૂ થયો છે. માંગરોળના દિવાસા ગામના રહેણાંક મકાનમાં સિંહણ ઘુસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આ અંગે સરપંચ સહિતનાઓએ વનતંત્રને જાણ કરતા વન વિભાગની ટીમે તાત્કાલીક દિવાસા પહોંચી જે ડેલામાં સિંહણ ફસાઈ હતી તેનો દરવાજો તોડી સિંહણને રેસ્ક્યુ કરી બહાર કાઢી સલામત સ્થળે છોડી દીધી હતી.
આ ઘટનાને ત્રણેક કલાક જેટલો સમય થયા બાદ સિંહણ દિવાસા ગામ નજીક કેનાલમાં ફસાઈ ગઈ હોવાની વન વિભાગને જાણ થતા ફરી વન વિભાગનો સ્ટાફ ફસાયેલી સિંહણને કાઢવા માટે દોડી ગયો હતો. વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે સિંહણનું મોત થઈ ગયું હતું. વેલ અને ઘાસ વધુ હોવાથી સિંહણનો પગ તેમાં ફસાઈ ગયો હતો. સિંહણે બચવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેમાં સફળતા ન મળતા સિંહણે જીવ ગુમાવ્યો હોવાનું વનતંત્રનું અનુમાન છે. વન વિભાગના સ્ટાફ દ્વારા સિંહણના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમ અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપેલ છે જ્યાં પેનલ પીએમ કરી વિસેરા એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

