ભાવનગર જિલ્લાના 4 તાલુકા વિસ્તારને સિંહ પરિવારોએ અપનાવ્યો
- આજે વિશ્વ સિંહ દિવસ : સિંહ વસ્તીને ટકાવવા જાગૃતિ જરૂરી
- વર્ષે 5 ટકા સિંહ વૃદ્ધિદર સાથે ભાવનગર જિલ્લામાં સિંહની વસ્તી 117 સુધી આંબી
ગીર વિસ્તારની સાથો સાથ ગુજરાતના ૩૫ હજાર સ્વેર કિ.મી. વિસ્તારમાં વિચરણ વધ્યું છે અને પાંચ વર્ષ પૂર્વેની સરખામણીએ ગુજરાતમાં ૨૫થી ૨૬ ટકા સિંહ વસ્તીમાં વૃદ્ધિ થવા પામી છે જેની અસર ભાવનગરમાં પણ જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં સિંહ વસ્તીનો અંદાજ ૧૧૭ થવા પામ્યો છે. જે પૈકીના ૫૯ થી ૬૦ જેટલા સિંહ પાલિતાણા, ગારિયાધારના બન્ને બાજુના ગેડ વિસ્તારમાં સ્થાયી થયા છે. જેમાં પા, પાટડી, લુવારા, લીલીયા જેવા ગામોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા સ્થાને તળાજા કોટીયાના ડુંગર વિસ્તારમાં ૮ થી ૧૦ સિંહોનો અંદાજ છે. ત્રીજા સ્થાને મહુવાનો કોસ્ટલ એરીયામાં આવેલ ગામો અને જંગલી બાવળોના ઝુંડમાં ૫ થી ૬ સિંહ હોવાનું અનુમાન છે. જ્યારે ભાવનગરના ખોખરા, ભંડારીયાના ડુંગરાળ વિસ્તાર પણ ૨ થી ૪ સિંહને માફક આવ્યો હોવાનું જણાયું છે. સામાન્ય રીતે સિંહ શિકાર માટે એક રાત્રીમાં ૩૫ કિ.મી. જેટલું અંતર કાપવા સક્ષમ છે જેથી આ વિચરતા રાની પશુની પાક્કી ગણતરી શક્ય નથી. તાજેતરમાં પાટણા વલ્લભીપુર સુધી પણ ડાલામથ્થાએ દેખા દીધા છે. સિંહના માસ અને હાડકામાંથી પુરૂષત્વની દવા બનતી હોવાથી વર્ષો પહેલા ગીરમાંથી તેના શિકારીઓ પણ ઝડપાયેલા આ ઉપરાંત તેની પજવણીના બનાવો, ખેત પાકોના રક્ષણ માટે ખેતરોની ફેન્સીંગમાં કરંટ મુકવા, કુવા ખુલ્લા રાખવા, પાણીની કુંડીઓમાં યુરીયા ઝેર ભેળવવાની પ્રવૃત્તિને અટકાવી આ પ્રાણીને બચાવવા અને જાગૃતિ ફેલાવવા વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે.
શામપરા મોડેલ સ્કૂલમાં જિલ્લાકક્ષાની ઉજવણી કરાશે
વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૧૦ ઓગસ્ટના રોજ સિદસર-વાળુકડ પાસે આવેલ શામપરા ગામની કે.જી. વી.વી. મોડેલ સ્કૂલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વક્તવ્યો રજૂ થશે. આ સાથે જિલ્લાની ૧૬૨૭ શાળાઓના બાળકો, વિદ્યાર્થી મળી ૩.૭૦ લાખ સિંહ પ્રેમી રેલી, સૂત્રોચ્ચાર કરશે. સાથે સિંહ પર ટૂંકી ફિલ્મ બતાવવાનું પણ આયોજન વન વિભાગ દ્વારા કરાયું છે.