રાજુલાના ઉટીયા ગામે કૂવામાં પડી જતાં સિંહ બાળનું મોત
વાડી વિસ્તારના બનાવથી વનતંત્રને દોડધામ : વાડી વિસ્તારના ખુલ્લા કૂવામાં સિંહનું બચ્ચું પડી ગયાની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી, પણ જીવ બચાવી શકાયો નહીં
અમરેલી, : રાજુલા તાલુકાના ઉટીયા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા કૂવામાં ગત રાત્રિના સમયે સિંહનું બચ્ચું ખાબકતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે સિંહબાળને બચાવી શકાયું નહોતું અને તેનું કૂવામાં જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉટીયા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં રાત્રિ દરમિયાન કોઈ રીતે સિંહબાળ પડી ગયું હતું. સવારે ગ્રામજનોને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહબાળને કૂવામાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી.જોકે, લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન છતાં સિંહબાળને જીવતું બહાર કાઢી શકાયું નહોતું. અંતે, સિંહબાળનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને વધુ તપાસ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. ખુલ્લા કૂવાઓને કારણે વન્યજીવોના મોતનો આ વધુ એક બનાવ સામે આવ્યો છે, જે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાવી રહ્યો છે.