Gujarat

અમરેલી નજીક વાડીએ કામ કરતા શ્રમિક પર સિંહનો હુમલો

By GS TEAM
14 Dec 20251 min read
અમરેલી નજીક વાડીએ કામ કરતા શ્રમિક પર સિંહનો હુમલો

શયાળામાં ભૂખ્યા શ્વાનો, સિંહોનો આતંક

મુંઢિયા રાવણી ગામે શ્વાને મહિલાને બચકા ભરી લેતાં અમદાવાદ ખસેડી

અમરેલી:  શિયાળો આવતા જ  વન્ય પ્રાણીઓ  અને શ્વાનો ઓવર અરોસિવ બની રહ્યા છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા, શ્વાનોના હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે.

વનરાજો જંગલમાં રહેવા માટે જ સિમિત નથી એ હવે નાગરિક વિસ્તારોમાં પહોંચી જાય છે. આજે અમરેલી શહેરની નજીકના સાવરકુંડલા રોડ ઉપર આવેલી વાડીએ ખેત શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે કેરમ વસુનીયા નામના શ્રમિક પર વનરાજે હુમલો કરી દેતાં રાડારાડ મચી ગઈ હતી. આ જ સમયે સાથી શ્રમિકોએ પથ્થરાના ઘા કરવા ઉપરાંત દેકારો કરતા સાવજ ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વિસાવદર તાલુકાના મુંઢિયા રાવણી ગામે લાભુબેન દેગામા નામની ગૃહિણી કામ અર્થે જઈ રહી હતી. એ વેળા શ્વાને હુમલો કરી દેતાં આ મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. જેના શરીરના જુદાં જુદાં ભાગે ઈજાઓ થઈ હતી. આસપાસના લોકોએ શ્વાનને ભગાડી સકંજામાંથી મહિલાને મુક્ત કરાવી હતી. ઘટના બાદ મહિલાને અમરેલી સિવિલમાં દાખલ કરી હતી પરંતુ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડી હતી.