Gujarat

લિંબોડાઃ સરકારી બાબૂઓની 10 લાભાર્થી સાથે મળી સરકાર સાથે રૂા. 1.82 લાખની ઉચાપત

By GS TEAM
2 Jul 20252 mins read
લિંબોડાઃ સરકારી બાબૂઓની 10 લાભાર્થી સાથે મળી સરકાર સાથે રૂા. 1.82 લાખની ઉચાપત

- મનરેગા કન્વર્ઝન અંતર્ગત થયેલાં વનીકરણ, કેટલશેડના કામમાં ભોપાળું બહાર આવ્યું 

- સપ્ટે.-2018 થી ફેબૂ્ર.- 2020 દરમિયાન થયેલાં કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતે તપાસ શરૂ કરી હતી : 17 વિરૂદ્ધ ફરિયાદ 

ભાવનગર : રાજ્યમાં બેથી વધુ સ્થળોએ બહાર આવેલાં મનરેગા કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બોટાદના લિંબોડા ગામે તત્કાલિન સરપંચથી લઈ જળ સ્ત્રાવના નોડલ ઓફિસર અને તલાટી સહિતના સરકારી બાબૂઓએ ૧૦ લાભાર્થી સાથે મળીને મનરેગા કન્વર્ઝન અંતર્ગત દોઢ વર્ષ દરમિયાન થયેલાં વોટરશેડના વિવિધ કામોમાં સરકારી નાણાંનો દુર્વ્યય કરી રૂા.૧.૮૨ લાખની ઉચાપત કર્યાની પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. 

બોટાદના લિંબોડા ગામે રહેતા અરજદાર હિતેષભાઈ જમોડે ગુજરાત તકેદારી આયોગને પુરાવા સાથે ફરિયાદ હતી કે તા.૧૩ સપ્ટે.૨૦૧૮થી તા.૨૩ ફેબુ્ર.૨૦૨૦ દરમિયાન ગામમાં વિવિધ સ્થળોએ બોટાદની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે મનરેગા કન્વર્ઝન અંતર્ગત વોટરશેડ યોજનાના કામો થયા હતા.જેમાં વનીકરણ, બાગાયત અને કેટલશેડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. ફરિયાદના આધારે બોટાદના ડીડીઓએ તપાસના આદેશ આપ્યા હતા.જેમાં અરજદારે કરેલાં આક્ષેપોમાં તથ્ય જણાયું હતું. અને તત્કાલિન કર્મચારીઓએ ગામમાં જ રહેતાં ૧૦ જેટલાં લાભાર્થી સાથે મેળાપીપણું રચી, કાગળ પર કામગીરી દેખાડી વાસ્તવિક રીતે સ્થળ પર કામ ન કરી સરકારી નાણાં પેટે રૂા.૧,૮૨,૦૦૬નો દુર્વ્યય કર્યાનું જણાઈ આવ્યું હતું. આ મામલે આજે બોટાદના મ.તાલુકા વિકાસ અધિકારી ડી.જે.પરમારે પાળિયાદ પોલીસમાં ઉક્ત સમય દરમિયાન ફરજ બજાવનાર તત્કાલિન સરપંચ,બે તલાટી કમ મંત્રી,ગ્રામ વિકાસ એજન્સીના વોટરશેડના બે કર્મચારી ઉપરાંત જળ સ્ત્રાવ એકમના કૃષિ નોડલ ઓફિસર સહિતના છ સરકારી કર્મચારી અને શક્તિ સખી મંડળના પ્રમુખ તથા ગામમાં જ રહેતાં ૧૦ લાભાર્થી મળી કુલ ૧૭ લોકો વિરૂદ્ધ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ગુનામાં સામેલ સરકારી કર્મચારીઓ 

૧) જસવંત બેન્કર નોડલ ઓફિસર જળ સ્ત્રાવ એકમ બોટાદ જિ.પં.

૨) આર.એન.નિનામા તત્કાલિન તલાટી મંત્રી, લિંબોડા ( હાલ નિવૃત્ત) 

૩) એમ.એસ.રાવલ તત્કાલિન તલાટી મંત્રી, લિંબોડા ( હાલ બલોલ, જિ.ખેડા) 

૪) અતુલ રાજ્યગુરૂ કર્મચારી, વોટરશેડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ 

૫) દિનેશ ડાભી તત્કાલિન હંગામી ઈજનેર,વોટરશેડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ 

૬) ઘનશ્યામ લાખાભાઈ જમોડ, તત્કાલિન સરપંચ, લિંબોડા 

૭)  રાઘવ નાગજીભાઈ ઘામી , પ્રમુખ શક્તિ સખી મંડળ, લિંબોડા, બોટાદ 

ગુનામાં સામેલ લિંબોડા ગામના લાભાર્થીઓ 

૧) રંગુબેન જગાભાઈ ધરાજીયા 

૨) જેરામ ભાવુભાઈ 

૩) ગૌરીબેન કરશનભાઈ 

૪) જેમા જવેરભાઈ

૫) રાજેશ ગોરધનભાઈ

૬) મનસુખ વિરજીભાઈ

૭) વિનુ કુકાભાઈ 

૮) ગોબર હીરાભાઈ 

૯) હકા લધુભાઈ 

૧૦) કમા ડાયાભાઈ 

સૌથી વધુ વનીકરણના કામમાં ગેરરીતિ થયાનું તપાસમાં ખુલ્યું 

ફરિયાદી મ. તા.વિ.અધિકારીએ ફરિયાદમાં કચેરી કક્ષાએ થયેલી તપાસની વિગતો ટાંકી હતી.જેમાં સૌથી વધુ વનીકરણના ત્રણ કામમાં રૂા. ૧,૧૦,૪૫૩, બાગાયતના કામમાં નવ લાભાર્થી દ્વારા રૂા. ૩૧,૫૦૦ અને કેટલશેડના એક કામમાં રૂા.૪૦,૦૫૩ની ગરેરીતિ થઈ હતી. પોલીસે આ બાબતને કેન્દ્ર સ્થાને રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.