શીયાણીમાં જુગારની ક્લબ પર લીંબડી પોલીસનો દરોડો, માત્ર બે શખ્સ ઝડપાયા
- રોકડ તથા મોબાઈલ મળીને 23 હજારનો મુદામાલ જપ્ત
- પોલીસના દરોડામાં જુગારની ક્લબ ચલાવનાર 4 શખ્સ સહિત 9 આરોપી પોબારા ભણી ગયા
લીંબડી : લીંબડી તાલુકાના શિયાણી ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં ૨ શખ્સો ઝડપાયા હતાં જ્યારે અન્ય ૯ શખ્સો નાસી છુટયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૨૩ હજારનો મુદામાલ કબજે કરીને ૧૧ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસને બાતમી મળી હતી કે શિયાણી ગામના ગૌતમ નાગરભાઈ મકવાણા, મનશુખ વશરામભાઈ મકવાણા, વિક્રમ રમેશભાઈ મકવાણા તથા કાશી ઉર્ફે પીન્ટુ ઉકાભાઈ મકવાણા ચારેય શખ્સો જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમાડ છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં રમેશ (૧) ધરમશીભાઈ મકવાણા (૨) રણજીત ગોવિંદભાઈ રાઠોડને ઝડપી પાડી રોકડ રૂ. ૨૦,૨૨૦, એક મોબાઈલ કિં.રૂ.૩૫૦૦ મળીને રૂ.૨૩,૭૨૦નો મુદામાલ કબજે કર્યો હતો.
રેડ દરમિયાન જુગાર રમાડનાર (૧) ગૌતમ નાગરભાઈ મકવાણા (૨) મનસુખ વશરામભાઈ મકવાણા (૩) વિક્રમ રમેશભાઈ મકવાણા (૪) કાશી ઉર્ફે પીન્ટુ ઉકાભાઈ મકવાણા તેમજ જુગાર રમનાર (૫) રાજુ નાગરભાઈ મકવાણા (૬) બકુલ સુરેશભાઈ કોળી પટેલ (૭) દશરથ કાનજીભાઈ મકવાણા (૮) રાહુલ કાનજીભાઈ મકવાણા (૯) દશરથ ઉર્ફે ડી.ડી સહિતના શખ્સો નાસી છુટયા હતાં. જ્યારે પોલીસે ૧૧ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
દરોડામાં આરોપી ભાગી જવામાં સફળ કે...?
લીંબડી પોલીસ દ્વારા હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ શહેરી વિસ્તારમાં તંત્રની રહેમનજર જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. તેમજ પાંચ દિવસ પહેલાં પોલીસે અંકેવાળીયા ગામે જુગારના અડ્ડા પર દરોડો પાડયો હતો. જેમાં ૧૨ શખ્સોમાંથી ૪ ઝડપાયા હતાં ૮ નાસી છુટયા હતાં. જ્યારે શિયાણી ગામે પાડેલા દરોડામાં ૧૧ માંથી માત્ર ૨ શખ્સો ઝડપાયા હતાં. ૯ શખ્સો નાશી છુટયા હતાં.