Get The App

લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર 1 - image


Accident on Limbdi-Ahmedabad Highway : લીંબડી-અમદાવાદ હાઇવે ફરી એકવાર લોહીયાળ બન્યો છે. પાણશીણા નજીક રવિવારે એક કરૂણ અકસ્માતમાં એક્ટિવાચાલક સહિત બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા નજીક એક અજાણ્યા વાહને પુરપાટ ઝડપે આવીને એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમણે જીવ ગુમાવ્યો હતો.

અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લીંબડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર લીંબડી-અમદાવાદ હાઇવે પર વાહનચાલકોની બેફામ ગતિ અને બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો છે. સ્થાનિકો દ્વારા આ માર્ગ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ કરવા માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Tags :