અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ

Amreli Lioness death: અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમમાં એક સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. નાના કણકોટ ગામે એક માદા સિંહણનો મૃતદેહ મળી આવતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. લાયન નેચર ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
લાયન નેચર ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે, લીલિયા તાલુકાના કણકોટ ગામની હદમાં આવેલા સીમતળ વિસ્તારમાં એક સિંહણનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ મૃત્યુ શોર્ટ સર્કિટના કારણે થયું હોવાની શંકા છે. આ વિસ્તારમાં દેવભૂમિ દેવળિયા, ચક્કરગઢ, કણકોટ, ગોખરવાડા, નાના ગોખરવાડા અને સાનગઢ સહિતના વિસ્તારોમાં 29થી વધુ સિંહોનો વસવાટ છે. નાના કણકોટ ગામેથી મળી આવેલ માદા સિંહણનું મોત શંકાસ્પદ છે. તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે, આ મામલે યોગ્ય અને સઘન તપાસ કરવામાં આવે.
વન વિભાગને કરાઈ રજૂઆત
આ ઘટના અંગે નાથાલાલ સુખડિયાએ રેન્જ ફોરેસ્ટ ઑફિસર (RFO) ગેલાણી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વન વિભાગે આ સિંહણના મૃત્યુનું કારણ જાણવા માટે પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ (PM) કરાવવાની ખાતરી આપી છે.
દોષિતોને જેલ હવાલે કરવાની માંગ
એશિયાટિક સિંહો માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. આ સિંહો માનવ વસવાટ માટે ક્યારેય નડતરરૂપ નથી, તેમ છતાં જો કોઈએ શંકાસ્પદ રીતે તેમનું મૃત્યુ કર્યું હોય અને આ બનાવને ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો હોય, તો આવા તમામ જવાબદારોને જેલના હવાલે કરવા જોઈએ.
ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે તેમણે સરકારને, ડીએફઓ (DFO) અને સીસીએફ (CCF) કક્ષાના અધિકારીઓને પણ ઈમેલ દ્વારા જાણ કરી છે કે, આ સમગ્ર ઘટનાની પૂર્ણ કક્ષાએ તપાસ થવી જોઈએ. સાથે જ, વન વિભાગે વન્યપ્રાણીઓના જીવની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજાગ બનીને ટ્રેકરોની કામગીરી અને નિયમિત દેખરેખ પર ધ્યાન આપવું જોઈએ.