Gujarat

જાફરાબાદમાં પ્રચંડ કડાકા સાથે બે મકાન પર વીજળી ત્રાટકી, વીજ ઉપકરણો ખાખ

By GS TEAM
19 Aug 20252 mins read
જાફરાબાદમાં પ્રચંડ કડાકા સાથે બે મકાન પર વીજળી ત્રાટકી, વીજ ઉપકરણો ખાખ

અમરેલી જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

જાફરાબાદ, ખાંભા, રાજુલા, બગસરા, ધારી અને વડિયામાં વરસાદથી નદી-નાળા છલકાયાઃ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો

અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ જામ્યો છે. આજે જાફરાબાદ, ખાંભા, રાજુલા, બગસરા, ધારી અને વડિયામાં ધોધમાર અને ધીમીધારે એક-બે ઈંચ જેવો વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના મુરઝાતા પાકોને નવજીવન મળ્યું છે. બીજી તરફ જાફરાબાદમાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથેના વરસાદ વચ્ચે બે મકાનો પર વીજળી ત્રાટકી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મકાનોમાં રહેલા વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.

જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે શહેરના ખોડિયારનગર કોળીવાડ વિસ્તારમાં રહેલા નાગરભાઈ રામશીભાઈ પરમાર તથા ભરતભાઈ જીવનભાઈ સોલંકી મકાન પર વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે બંને મકાનોની અંદર રાખેલા ટીવી, એસી, પાણીની મોટર અને ઘરનું ઈલેક્ટ્રિક વાયરિંગ સંપૂર્ણપણે બળી ગયું હતું. 

બીજી તરફ જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, નાગેશ્રી, કડીયાળી, વાહા, સ્વરૂપ, લોર, ફાચરીયા, એભલવડ અને હેમાળ, રાજુલાના ચોત્રા અને ખાંભાના બારમણ, ડેડાણ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડયો હતો. બગસરા શહેરમાં ધોધમાર વરસાદથી બજારોમાં નદીઓ માફક પાણી વહેતા થયા હતા. નાના મુજીયાસર, મોટા મુજીયાસર, જેઠીયાવદર, જામકા, શીલાણા, હડાળા, આદપર, પીઠડીયા, નવા વાઘણીયા અને જુના વાઘણીયામાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. ધારીના દલખાણીયા, સેમરડી, પાણીયા, આંબાગાળા, મીઠાપુર અને સુખપુર તેમજ વડિયા અને કુકાવાવ પંથકમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. પાંચ દિવસના સતત વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને મોટો ફાયદો થયો છે.