VIDEO: અમરેલીના જાફરાબાદમાં બે મકાન પર કડાકાભેર વીજળી પડી, જુઓ ચોંકાવનારા દ્રશ્યો
Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સોમવારે (18મી ઓગસ્ટ) મોડી રાત્રે ગાજવીજ સાથેના વરસાદ ખબક્યો હતો. આ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી બે મકાનોને ભારે નુકસાન થયું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનોમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.
જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે શહેરના ખોડિયાર નગર કોળીવાડ વિસ્તારમાં રહેલા બે મકાનો પર સીધી વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે બંને મકાનોની અંદર રાખેલા ટીવી, એસી, પાણીની મોટર અને ઘરનું ઈલેક્ટ્રિક વાયરિંગ સંપૂર્ણપણે બળી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો અને તંત્રને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા, જાફરાબાદ મામલતદારની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. હાલમાં, તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.