બનાસકાંઠામાં રામેશ્વર મંદિરમાં શિવલિંગ પર પડી વીજળી, જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Palanpur News : ગુજરાતમાં ચોમાસાની શરુઆતથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી ભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ-યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો છે, ત્યારે આજે (26 જૂન) બનાસકાંઠાના પાલનપુરના રતનપુર ગામે રામેશ્વર મંદિર પર વીજળી પડતાં જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડ્યા હતા. વીજળી પડવાની ઘટનામાં શિવલિંગને કોઈ નુકસાન થયું ન હતું.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરના રતનપુર ગામ ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી પડી હતી. વીજળી પડતાં મંદિરમાં રહેલા ઉપકરણો સહિત પૂજા માટેના સામાનને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં ચમત્કારિક રીતે શિવલિંગ એકદમ સુરક્ષિત રહ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, આજે સવારે પહેલા થાંભલા પર વીજળી પડી હતી અને પછી મંદિરમાં વીજળી પડતાં જળાધારીના ટુકડા થઈ ગયા હતા. જ્યારે ગ્રામજનોએ જણાવ્યું કે, જ્યાં વીજળી પડી ત્યાં નજીકમાં શાળા આવેલી છે અને ત્યાંથી બાળકોની અવર-જવર રહેતી હોય છે. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હતી.









