Get The App

થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી 1 - image


- કડાકા- ભડાકા સાથે વરસેલા વરસાદમાં

- પરિવારજનો બહાર નીકળી જતા જાનહાનિ ટળીઃ થાન પાસે પેટ્રોલપંપના છાપરા પર પણ વીજળી પડતા નુકસાન

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ગત શનિવારે મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જ્યારે ત્યારે વિજળીના કડાકા અને ભડાકા સાથે પડેલ વરસાદના કારણે જીલ્લાના થાન તાલુકામાં તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

જેમાં થાન શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાન પર વિજળી પડતા આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં આગમાં ઘરવખરીનો માલસામાન સહિત વિજઉપકરણો બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું. 

જો કે સદ્દનસીબે વિજળી પડતા જ ઘરના તમામ સભ્યો બહાર નીકળી જતા જાનહાનીનો બનાવ બનતા અટક્યો હતો અને દુર્ધટના ટળી હતી. આ બનાવની જાણ થતાં થાન મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી વિજળી પડવાથી લાગેલ આગને  બુઝાવવાની કામગીરી હાથધરી હતી તેમજ થાન પાસે હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પર પણ વિજળી પડતા પેટ્રોલ પંપનું છાપરૂ તુટી જતા નુકશાન પહોંચ્યું હતું જો કે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો.

Tags :