Gujarat

લખતરના કૃષ્ણનગર વિસ્તારમાં મકાન પર વીજળી પડતા દીવાલમાં તિરાડો

By GS TEAM
16 Jun 20251 min read
લખતરના કૃષ્ણનગર વિસ્તારમાં મકાન પર વીજળી પડતા દીવાલમાં તિરાડો

- પરિવાર સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી

- ઈલેક્ટ્રિક વાયરિંગ, બોર્ડ, પંખા સહિતના વીજ ઉપકરણો બળીને ખાખ : આસપાસના ઘરોમાં પણ અસર થઈ

સુરેન્દ્રનગર : લખતરમાં શનિવારે પડેલા વરસાદમાં શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક થવા સાથે દીવાલમાં તિરાડો પડી ગઈ હતી. જો કે, પરિવાર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી.

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ શનિવારે મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી વિસ્તારો સહિત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં લખતર પોલીસ મથક પાછળ આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મફાભાઈ જાગાભાઈ ભરવાડ માલધારીના રહેણાંક મકાન પર વિજળી પડતા દોડધામ મચી જવા પામી હતી. 

જેમાં વિજળી પડવાના કારણે ઘરનું વાયરીંગ, પંખા, ઈલેકટ્રીક બોર્ડ, ઈલેકટ્રીક સગડી સહિતના વિજઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા તેમજ ઘરની દિવાલો પર પણ તીરાડો પડી જતા નુકશાન પહોંચ્યું છે. જો કે વિજળી પડવાની સાથે જ પરિવારજનો ઘરની બહાર નીકળી જતા જાનહાનીનો બનાવ બન્યો નહોતો . આસપાસના રહેણાંક મકાનોમાં પણ વિજળી પડવાથી સામાન્ય નુકશાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.