અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-૨ની પેરોલ ફર્લો સ્ક્વોડે
છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો ઃ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો
ગાંધીનગર : ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-૨ની પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદના દરિયાપુર અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ ત્રણ મર્ડર કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા કેદીને દરિયાપુરના બલુચવાડ ખાતેથી ઝડપી પાડયો છે.
ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા લાંબા સમયથી પેરોલ/ફર્લો જમ્પ, વચગાળાના જામીન પરથી ફરાર અને પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલા કેદીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ-૨ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમારને સૂચના આપી હતી જેનાં પગલે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ટીમોએ જિલ્લામાં ફરાર આરોપીઓ અને કેદીઓની યાદી તૈયાર કરી હતી. સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓના આશ્રય સ્થાનોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને કોમ્બિંગ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું. દરમિયાન પેરોલ ફર્લો ટીમને સ્થાનિક હ્યુમન સોર્સથી ચોક્કસ માહિતી મળી હતી કે ગુલાલ મહમંદ ઉર્ફે ગુલાલ કાદરભાઇ શેખ, રહે. બલુચવાડ, દરિયાપુર, અમદાવાદ જે અમદાવાદ શહેરના દરિયાપુર અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ મર્ડર કેસોમાં જેમાં અમદાવાદના દરિયાપુર ખાતે પૂર્વ સાંસદ રઉફવલી ઉલ્લાદના મર્ડરમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તે ૨૩ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પેરોલ રજા પર છૂટયો હતો અને ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ તે ફરાર થઈ ગયો હતો. ચોક્કસ માહિતી હતી કે તે હાલમાં દરિયાપુર સ્થિત તેના નિવાસસ્થાને આવ્યો છે.આ માહિતીના આધારે કેદી તેના ઘરે આવતા ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.