બાળકોને વાંચનની દુનિયા સુધી પહોંચાડતી “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ
60 થી વધુ સરકારી શાળાઓ સુધી પહોંચી 4500 થી વધુ વિદ્યાર્થીઓના જીવન પર સકારાત્મક અસર
વડોદરાની સરકારી શાળાઓના બાળકોના જીવનમાં જ્ઞાન, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિના નવા રંગો ભરી રહેલી “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ આજે સમગ્ર જિલ્લામાં પ્રેરણાસ્ત્રોત બની છે. વર્ષ 2023માં શરૂ થયેલી આ મોબાઇલ લાઇબ્રેરી અત્યાર સુધી 60 થી વધુ શાળાઓ સુધી પહોંચી છે અને 4500 થી વધુ બાળકોના જીવનમાં વાંચનનો પ્રકાશ ફેલાવ્યો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં 500થી વધુ વાર્તા પુસ્તકો, નૈતિક કથાઓ, જીવનચરિત્રો, ગણિત કોયડાં, પંચતંત્ર, અકબર-બીરબલ, રંગીન પ્રવૃત્તિ પુસ્તકો જેવી અનેક સામગ્રી સાથે આ વાન શાળાઓની મુલાકાતે જતી હોય છે.
“લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” જયારે શાળાની મુલાકાતે જાય ત્યારે એક કલાક માટે બાળકોને પોતાના મનગમતા પુસ્તકો વાંચવાની તક મળે છે. સ્વયંસેવકો વિદ્યાર્થીઓની વાંચન આદતોની સમીક્ષા કરે છે, સાથે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનકૌશલ્ય જેવી બાબતો પણ શીખવે છે. ઘણા બાળકો માટે આ પહેલી જ વાર છે જ્યારે તેઓ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય પુસ્તકો વાંચી રહ્યા છે, જેના કારણે તેમની જિજ્ઞાસા, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને સરકારી શાળાઓના બાળકોને સેવા આપવા માટે રચાયેલ આ મોબાઇલ લાઇબ્રેરી સેવાનો હેતુ સાક્ષરતા વધારવા અને યુવાન વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો પ્રેમ વધારવાનો છે.
સંચાલક કિન્નરી હરિયાણીએ જણાવ્યું કે, “અમારું ધ્યેય સાક્ષરતા વધારવું અને યુવા મનમાં સર્જનાત્મકતાનો ચેતનાનો દીવો પ્રગટાવવાનો છે. વંચિત બાળકોને પુસ્તકોનો સીધો સંપર્ક મળે એ માટે જ ‘લાઇબ્રેરી ઑન વ્હીલ્સ’ શરૂ કરી હતી.” બિલિયન લાઇવ્ઝ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરાઈ છે અને દર વર્ષે નવી સરકારી શાળા ઉમેરવામાં આવે છે. વધુ શાળાઓ સુધી પહોંચવા માટે બીજી મોબાઇલ લાઇબ્રેરી ઉમેરવાનું આયોજન કરી રહ્યા છે.