મેનપાવર ઓછો હોવા છતાં રોજરોજ ૪૦થી ૫૦ માણસોની વધારાની હાજરી બતાવી પગાર લીધો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલી સરકાર સંચાલિત હોસ્પિટલ એલ.જી.માં સિક્યોરિટી એજન્સીને તથા હાઉસકીપિંગ-સાફસફાઈના આપવામાં આવતા ટેન્ડરના અમલીકરણમાં હાઉસકીપિંગમાં રોજરોજ ૪૦થી ૫૦ માણસો ઓછા હોવા છતાંય તેમની હાજરી બતાવીને અમ્યુકોના ટેન્ડરમાં ઉધારવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં ટેન્ડરની ફાળવણી કર્યા પછી અમ્યુકોના માણસોએ બાયોમેટ્રિક હાજરી લેવાની જોગવાઈ હોવા છતાં ટેન્ડર મેળવનાર કંપની જ હાજરી બતાવી રહી હોવાથી મોટા ગોટાળા થઈ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. ટેન્ડરની શરત મુજબ ટેન્ડર લેનાર કંપનીએ રોજરોજની ડિપ્લોયમેન્ટ શીટ રજૂ કરવાની હોય છે. પરંતુ આ શીટ એડવાન્સમાં મૂકવામાં આવે છે કે કેમ તે અંગે સવાલ ઊઠાવવામાં આવી રહ્યા છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલનું રજિસ્ટર પણ વ્યવસ્થિત બનાવવામાં આવતું નથી. ટેન્ડરની શરત મુજબ અલગ અલગ વિભાગના બાયોમેટિકલ વેસ્ટ માટે અલગ અલગ રિપોર્ટ તૈયાર થવા જરૃરી છે. પરંતુ તરિપોર્ટ બનાવવામાં આવતા નથી. હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ લેનાર કંપનીએ દરેક ટોઈલેટમાં ચેકલિસ્ટ મૂકવું જોઈએ. પરંતુ આ ચેકલિસ્ટ પણ મૂકવામાં આવતું નથી.
હાઉસ કીપિંગને લગતા હોસ્પિટલના ટેન્ડર મુજબ ૪૦૦નો સ્ટાફ રોજરોજ હોવો જરૃરી છે. પરંતુ તેને સ્થાને કેટલીકવાર માત્ર ૧૭૦ની હાજરી બતાવવામાં આવી છે. એક શિફ્ટમાં ૧૭૦ માણસ હાજર હોય તો ત્રણ શિફ્ટમાં અંદાજે ૫૧૦ માણસો થવા જોઈએ. પરંતુ વાસ્તવમાં હાજરી ન હોય તો પણ ટેન્ડર લેનાર કંપની એબી એન્ટરપ્રાઈસ દ્વારા રોજરોજ ૪૦થી ૫૦ માણસો વધારે બતાવી દઈને તેમનો પગાર ઉપાડી લેવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. સાફસફાઈ કરનારા માણસોને પણ રોજના રૃા. ૫૦૦થી રૃા. ૭૦૦ની આસપાસના પગાર ચોપડે અપાતા હોવાથી મોટી રકમનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું અને સેનેટરી ઇન્સ્પેક્ટરના વિભાગના ટોચના અધિકારી હરિશ મહેરિયા અને આશિષ દવે આ મુદ્દે આંખ આડા કાન કરતાં હોવાનું જણાઈ રહ્યું છે.આ મુદ્દે વિજિલન્સ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાંય કૌભાંડને પકડી પાડવામાં વિજિલન્સના અધિકારીઓને પણ રસ ન હોવાનું જણાય છે. અમ્યુકોના કમિશનરને પણ આ ફરિયાદ આપવામાં આવેલી છે. હાઉસકીપિંગના ટેન્ડર લેનાર કંપની સાથે તેમની મિલીભગત હોવાન્ીી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છોકરાઓ અને છોકરીઓની હોસ્ટેલ્સની સાફસફાઈ માટેના ટેન્ડર પણ આ જ કંપનીને ફાળવવામાં આવ્યા છે. તેની સાફસફાઈના કામકાજ અંગે પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાઉસ કીપિંગનું ટેન્ડર મેળવનાર કંપની પાસે સાફસફાઈ માટે જરૃરી સ્ક્રિબિંગ મશીન, હાઈપ્રેશર જેટ મશીન, સિંગલ ડિસ્ક મશીન જેવા ઉપકરણો પણ ટેન્ડરમાં દર્શાવેલી સંખ્યા કરતાં અડધા જ હોવાથી પણ સાફસફાઈની કામગીરી સંતોષજનક ન હોવાની ફરિયાદ થઈ રહી છે. હોસ્પિટલના જુદાં જુદાં વિભાગમાં હેન્ડવૉશ માટે લિક્વિડ મૂકવાની શરત ટેન્ડરમાં હોવા છતાં હેન્ડવૉશ નિયમિત મૂકવામાં આવતા જ નથી.








