ગુજરાત સરકારના પૂર્વ મંત્રી નાનુ વાનાણીના નામે સોશિયલ મીડિયામાં ફરતા પત્રથી રાજકારણમાં ગરમાટો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : Facebook
Surat : સુરતના કતારગામ વિસ્તારમાં હાલ રહેણાંક સોસાયટી પર રિઝર્વેશનના મુદ્દે લોકોમાં ભારે આક્રોશ છે ત્યારે લોકો વતી ભુતકાળમાં આ રિઝર્વેશન માટે લડત લડનારા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી નાનુ વાનાણીના નામે સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. “વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે તેવું પત્રમાં લખ્યું છે. આ ઉપરાંત ભાજપના વહીવટ, કાર્યપદ્ધતિ અને સાંસ્કૃતિક પરિવર્તન પર તીખી ટીકા કરવામાં આવી છે જેના કારણે આ પત્ર સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ પત્ર કોણે લખ્યો છે અને કેમ લખ્યો છે તે માટે અનેક અટકળો ચાલી રહી છે.

સુરતમાં ચાલી રહેલા રિઝર્વેશનના મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. દરમિયાન આજે સોશિયલ મીડીયામાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી નાનુ વાનાણીના નામે એક પત્ર વાયરલ થયો છે તેથી રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે. આ પત્રમાં ભાજપની વિચારધારાની “એકાત્મ માનવવાદ લખવામાં આવી છે. જેમાં વિચારધારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છે, જે “વસુધૈવ કુટુંબકમ”ની ભારતીય ઋષિ પરંપરા પર આધારિત છે. જોકે, પત્રમાં ભાજપના નૈતિક, વહીવટી અને કાર્યપદ્ધતિના પરિવર્તનને કારણે પક્ષના પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ અને વિષાદની લાગણી ઉભી થઈ છે તેવો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

આ ઉપરાંત પત્રમાં રાજ્યમાં ભાજપની અઠયાવિસ વર્ષની આ સફળતા પછી કોઈને પણ થાય કે ભાજપનો મુળ કાર્યકર્તા આ સફળતા જોયા પછી સંતોષની લાગણી અનુભવતો હશે? નરેન્દ્ર મોદીએ દસ વર્ષ દેશમાં અને તે પહેલા તેર વર્ષ ગુજરાતમાં કરેલ આર્થિક વિકાસની સફળ કામગીરીને કારણે ભાજપનો મુળ કાર્યકર સંતોષ તો જરૂર અનુભવે પરંતુ ભારતીય જનતા પક્ષનું મૂળ કલ્ચર નષ્ટ પામ્યું તેનો ભારોભાર વિષાદ કે અલગાવ પણ તે અનુભવે જ !

વધુમાં પત્રમાં એવું પણ લખ્યું છે કે, પક્ષના સભ્યો જો સ્વેચ્છાએ નોંધાયેલા હોય તો તે સ્થિતિ અત્યંત સારી કહેવાય પરંતુ સભ્યો માત્ર કાગળ પર કૃત્રિમ રીતે જ જો નોંધાયેલા હોય તો તે સ્થિતિ પક્ષના ભવિષ્ય માટે સારી કહી શકાય નહીં. એ પણ યાદ રાખવું જોઈએ કે સાંસ્કૃતિક સચ્ચારિત્ર્ય ગુમાવીને મેળવેલા વિજયનું મૂલ્ય બહુ હોતું નથી. પછી ભલેને કહેવાતું હોય કે ‘જો જીતા વહી સિકંદર', સમય જતા આવા સિકંદરો પક્ષ અને રાજ્યને ખુબ મોંઘા પડતા હોય છે. એટલે જ ગુજરાતની મહાજની સાંસ્કૃતિક જનતા ભાજપ પાસે ગુજરાતને અનુરૂપ તિકડમથી મુક્ત એવું રાજકીય સદ્ઘારિત્ર્ય જાળવવાની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે.

આવા પ્રકારના પત્રના કારણે સુરત જ નહીં પરંતુ ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ પત્ર પાછળ ભાજપની આંતરિક જૂથબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.








