વડોદરા નજીક વાઘોડિયામાં દેવનદી વિસ્તારમાં દીપડાનો ભય,પશુનું મારણ કર્યું
વડોદરાઃ વડોદરા જિલ્લામાં દીપડા રહેણાંક વિસ્તારમાં આવી જવાના વારંવાર બનાવો બની રહ્યા છે.જેમાં સૌથી વધુ આંટા વાઘોડિયા તાલુકામાં જોવા મળી રહ્યા છે.
વાઘોડિયામાં દેવનદીને કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા દ્વારા પશુના મારણનો વધુ એક બનાવ બન્યો છે.જેમાં દંખેડા ગામે દીપડાએ એક ઢોરનો શિકાર કરતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો.
ત્યારબાદ વલવા ગામે પણ દીપડો ત્રાટક્યો હતો અને એક પશુ પર હુમલો કર્યો હતો.પરંતુ પશુપાલકનો પરિવાર જાગી જતાં દીપડાને ભગાડયો હતો અને પશુને ઇજાગ્રસ્ત હાલતમાં છોડીને ફરાર થઇ ગયો હતો.
દીપડાને કારણે ગ્રામજનો રાત્રિના સમયે ખેતરોમાં જતાં પણ ડરી રહ્યા છે. જ્યારે,ત્રાટકી રહેલો દીપડો અગાઉ પાંજરે પુરાયા બાદ છૂટીને ફરી ત્રાટકી રહ્યો હોવાનું ગ્રામજનો માની રહ્યા છે.