સાવરકુંડલાના બગોયા ગામમાં ધોળા દિવસે દીપડાનો હુમલો, યુવકને ઈજા પહોંચી
Representative image |
Leopard Attacks In Savarkundla: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામમાં ધોળા દિવસે દીપડાના હુમલાથી ભયનો માહોલ ફેલાયો છે. ઘરની બહાર બળદ ગાડું જોડી રહેલા યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેના કારણે યુવકને ઈજા પહોંચી છે.
દીપડાને પકડવા વન વિભાગને રજૂઆત
પ્રાપ્ત માહિતી અનુસાર, બગોયા ગામના સલીમ ઝાંખરા નામના યુવક પોતાના ઘરની બહાર બળદ ગાડું જોડી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રાટકેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સલીમને ખભા અને શરીરના અન્ય ભાગો પર સામાન્ય ઈજાઓ થઈ છે. હુમલા બાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાનો ભય ફેલાયો છે. લોકોએ વન વિભાગને આ દીપડાને પકડવા અને સુરક્ષાના પગલાં લેવા માટે રજૂઆત કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.