Leopard Attacks In Amreli: અમરેલી જિલ્લામાં માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે સોમવારે (12મી જાન્યુઆરી) મોડી સાંજે દીપડાએ ઘર આંગણે રમી રહેલા બે વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જો કે, પરિવારની સમયસૂચકતા અને બહાદુરીને કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો હતો.
શું બની સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ખાંભાના હનુમાનપુર ગામની સીમમાં આવેલી રમણીક બોડાની વાડીમાં પરેશ પરમારનો પરિવાર ભાગ્યા તરીકે રહી ખેતીકામ કરે છે. ત્યારે સોમવારે મોડી સાંજે પરેશભાઈનો બે વર્ષનો પુત્ર ઈશ્વર વાડીમાં રમી રહ્યો હતો. ત્યારે નજીકમાં ઉભેલા બાજરીના પાકમાંથી અચાનક એક દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ બાળક પર હુમલો કરીને માથાના ભાગેથી પકડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકની ચીસ સાંભળી પરિવારના સભ્યો લાકડીઓ લઈ દોડ્યા હતા અને જોરજોરથી બૂમાબૂમ કરી હતી. લોકોનો અવાજ સાંભળી ગભરાયેલો દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરી સીમમાં નાસી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈ વન વિભાગની ટીમ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી હતી. દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગે હનુમાનપુરની સીમમાં પાંજરા ગોઠવ્યા છે જેથી દીપડાને વહેલી તકે પાંજરે પૂરી શકાય.
માસૂમ બાળકને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
દીપડાના હુમલામાં માસૂમ ઈશ્વરને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે હાયર સેન્ટર ખસેડાયો હતો.


