થાનના સોનગઢની સીમમાં દીપડાએ ફરી બે વાછરડા પર હુમલો કર્યો

દીપડાના હુમલમાં એક વાછરડાનું મોત બીજાને ગંભીર ઇજા
અગાઉ સોનગઢમાં આઠ પશુનું, જામવાડીમાં ગાયનું મારણ કર્યું
હતું ઃ વન વિભાગ દ્વારા પાંજરું મૂકી વળતર ચૂકવવા પશુપાલકોમાં માંગ
થાન
- થાન તાલુકાના સોનગઢ ગામની
સીમમાં દીપડાએ વહેલી સવારે બે વાછરડા પર હુમલો કરતા એક વાછરડાનું મોત નિપજ્યું
હતું જ્યારે અન્ય એક વાછરડાને ગંભીર ઈજાઓ પહોચતા સ્થાનિક પશુ ડોક્ટરને જાણ કરી
સારવાર શરૃ કરી હતી.
આ અંગેની જાણ થતા જ ગ્રામજનો અને આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને
તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. પરંતુ વન વિભાગના અધિકારીઓ દ્વારા સાંજ સુધીમાં
સ્થળ પર મુલાકાત લેશે તેમ જણાવ્યું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
છે અને આ મામલે તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે થાન
તાલુકામાં દીપડા દ્વારા અંદાજે ૧૦થી વધુ પશુઓનું મારણ કરવામાં આવ્યું છે તેમ છતાંય
હજુ સુધી વન વિભાગની ટીમ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને
પશુપાલકોમાં ભય સાથે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક
પાંજરુ ગોઠવી દીપડાને પકડી અન્ય જગ્યાએ ખસેડવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે. તેમજ
તાત્કાલિક વળતર ચૂકવવાની પણ માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ૩૦મી તારીખે દીપડાએ થાનના જામવાડીમાં ગાયનું મારણ
કર્યું હતું. તેમજ થોડા દિવસ અગાઉ સોનગઢ ગામમાં જ આઠ પશુનું મારણ કર્યું હતું.









