9 મહિનાનું બાળક ગળી ગયો રમકડાના મોબાઈલનો LED બલ્બ, અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો
Ahmedabad News: બાળક રમત-રમતમાં કેટલીક જોખમકારક વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે અને ગળી જતાં પછી સમસ્યા ઊભા થાય છે. જ્યારે રાજ્યમાં માતા-પિતાને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના માંગરોળના પરિવારના 9 મહિનાના બાળકે રમતા-રમતા મોબાઈલનો LED બલ્બ ગળી જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. જેમાં બાળકની તબિયત ખરાબ રહેતી હોવાથી પરિવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બાળકનું ચેક-અપ કરાવ્યો હતો, જ્યાં બાળકના ફેફસામાં પીન ચોટી હોવાનું ડોક્ટરે જણાવીને 70 હજારનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જોકે, આ પછી પરિવાર બાળકને લઈને અમદાવાદની સિવિલમાં પહોંચ્યો હતો, જ્યાં બાળકની સર્જરી કરીને LED બલ્બ બહાર કાઢ્યો હતો.
19 દિવસથી ઉધરસની તકલીફ હતી
જૂનાગઢના માંગરોળમાં રહેતા જુનેદભાઈના 9 મહિનાના પુત્રને છેલ્લા 19 દિવસથી ઉધરસની તકલીફ થઈ હતી. આ પછી પરિવારે જૂનાગઢના બાળનિષ્ણાતને બતાવીને બાળકની છાતીનો એક્સ-રે કરાવતા શ્વાસનળીમાં કંઈક હોવાનું જણાયું હતું. બાદમાં પરિવારે બાળકને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ભણામણ કરી હતી. જોકે, ત્યાંનો ખર્ચ પરિવારને પોષાય એમ ન હોવાથી પરિવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ 3 જૂને બાળકને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કર્યો હતો.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટર દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી LED બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું હતું કે, બ્રોન્કોસ્કોપીમાં બાળકના ફેફસામાં પિન જેવું જોવા મળ્યું હતું, જ્યારે સર્જરી કરતાં મોબાઈલનો LED બલ્બ નીકળ્યો હતો. આ રમકડાના મોબાઈલનો બલ્બ હોઈ શકે. હાલ બાળકનું સ્વાસ્થ્ય સારુ છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ કરી શકાશે, 15 જૂને કસોટી
અગાઉ વડોદરામાં 8 મહિનાની બાળકીને ત્રણ દિવસથી લોહીની ઉલટી થતી હોવાતી માતા-પિતાએ સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીની તપાસ અર્થે લાવ્યા હતા. જેમાં ડૉક્ટરે બાળકીનો એક્સ-રે કરતાં અન્નનળીમાંથી ખુલ્લી સેફ્ટી પિન જોવા મળી હતી. જેમાં બાળકીની સફળ સર્જરી કરીને સેફ્ટી પિન કાઢવામાં આવી હતી.