તા.17 જુલાઈથી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના શિક્ષણનો પ્રારંભ થશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના શિક્ષણની તારીખ આખરે જાહેર થઈ છે.એફવાયના વિદ્યાર્થીઓનું શિક્ષણ તા.૧૭ જુલાઈથી શરુ થશે.
ફેકલ્ટી સત્તાધીશોા જણાવ્યા પ્રમાણે તે પહેલા તા.૧૫ અને ૧૬ જુલાઈના રોજ ફેકલ્ટીના તમામ યુનિટ તેમજ પાદરા કોલેજ પર બપોરે ૩ વાગ્યે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી અને ફેકલ્ટી અંગે જાણકારી આપવામાં આવશે. સાથે સાથે તેમને નવી શિક્ષણ નીતિ અંગે, ફેકલ્ટીની પરીક્ષા પધ્ધતિ, આંતરિક મૂલ્યાંકન, ફેકલ્ટીમાં અપાતી વિવિધ સગવડો અંગે માહિતગાર કરાશે.દરેક વિદ્યાર્થીએ જે યુનિટમાં એડમિશન મળ્યું હોય ત્યાં જ લેક્ચર એટેન્ડ કરવાના રહેશે.તા.૧૭ જુલાઈથી ફેકલ્ટીમાં બપોરે ૩ વાગ્યાથી અને પાદરા કોલેજમાં બપોરે ૧૨ વાગ્યાથી વિદ્યાર્થીઓના લેકચરનો પ્રારંભ થશે.
આ વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં ૬૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ અપાયો છે.ફેકલ્ટી પાસે હવે બેઠકો ખાલી નથી એટલે ધો.૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાની કોઈ શક્યતા નથી.