Gujarat

અમદાવાદના વસ્ત્રાલમાં ONGCની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં લીકેજ, તંત્ર દોડતું થયું

By GS TEAM
12 Apr 20261 min read
TukuTouch Logo
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં આજે(12 એપ્રિલ) ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વસ્ત્રાલના હરેશ્વર આર્ક નજીકથી પસાર થતી ONGCની લાઇનમાંથી અચાનક ઓઇલ નીકળવાનું શરૂ થતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના વસ્ત્રાલમાં ONGCની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં લીકેજ, તંત્ર દોડતું થયું

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં આજે(12 એપ્રિલ) ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વસ્ત્રાલના હરેશ્વર આર્ક નજીક RAF (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પની પાછળના ભાગેથી પસાર થતી ONGCની લાઇનમાંથી અચાનક ઓઇલ નીકળવાનું શરૂ થતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. પાઈપલાઈનમાંથી પ્રેશર સાથે ક્રૂડ ઓઈલ નીકળવાના કારણે આસપાસના ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર ઓઈલ ફરી વળ્યું છે. ક્રૂડ ઓઈલ અત્યંત જ્વલનશીલ હોવાથી કોઈ મોટી દુર્ઘટના કે આગ ન લાગે તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા, જેમને સુરક્ષિત અંતરે ખસેડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ઓઇલ લીકેજની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ONGCની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વધુ નુકસાન કે દુર્ઘટના રોકવા માટે ONGC દ્વારા તાત્કાલિક અસરથી લાઇનનો મેન વાલ્વ બંધ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રામોલ પોલીસ દ્વારા હરેશ્વર આર્ક તરફ જતો રસ્તો વાહનવ્યવહાર માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હાલમાં ONGCની ટીમ દ્વારા પાઇપલાઇનના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ રસ્તો બંધ હોવાને કારણે સ્થાનિક વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.